અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને બ્રાઝિલ સહિતના વિશ્વના દેશોએ ભારતીય અધ્યક્ષતામાં જી-20 સમીટના નિષ્કર્ષોની પ્રશંસા કરી હતી. અમેરિકી પ્રમુખ જો બાઇડને કહ્યું કે નવી દિલ્હી સમીટે સાબિત કર્યું છે કે આ ગ્રૂપ હજુ પણ તેના સૌથી જટિલ મુદ્દાઓનું નિરાકરણ લાવી શકે છે.
રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લાવરોવે જણાવ્યું હતું કે ભારતના પ્રમુખપદ હેઠળની G20 સમિટ ઘણી રીતે એક એક સફળ કોન્ક્લેવ હતી, કારણ કે તેના પરિણામોએ વિશ્વને સંખ્યાબંધ પડકારોથી આગળ વધવાનો માર્ગ બતાવ્યો હતો અને ગ્લોબલ સાઉથની તાકાત અને મહત્વ દર્શાવ્યું હતું. વડાપ્રધાન મોદી સાથે લંચની મુલાકાત પછી ફ્રાંસના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને પત્રકારોને જણાવ્યું હતું કે વર્તમાન વિભાજિત વિશ્વમાં ભારતે G20 પ્રમુખ તરીકે સારું કામ કર્યું છે. ઉભરતી અર્થવ્યવસ્થાઓના હિતો અંગે અવાજ રજૂ કરવા બદલ ભારતની પ્રશંસા કરતાં બ્રાઝિલના પ્રેસિડન્ટ લુલાએ પણ જણાવ્યું હતું કે યુએનએસસીમાં કાયમી અને અસ્થાયી સભ્યો તરીકે નવા વિકાસશીલ દેશોની જરૂર છે.
જી-20 લીડર્સ સમીટમાં શનિવારે સર્વસંમતીથી એક ઘોષણાપત્ર જાહેર કરાયું. યુક્રેન મુદ્દે વિશ્વ વિભાજિત છે ત્યારે આ સંયુક્ત ઘોષણાપત્ર જી-20ના અધ્યક્ષ તરીકે ભારતની મોટી સફળતા ગણી શકાય છે. તેમાં યુક્રેનમાં યુદ્ધ માટે રશિયાની નિંદા કરવાનું ટાળવામાં આવ્યું હતું, પરંતુ તમામ દેશોને બીજા દેશોના પ્રદેશ કબજે કરવા માટે બળનો ઉપયોગ કરવાથી દૂર રહેવા હાકલ કરવામાં આવી હતી. તેનાથી રશિયા સાથે ભારતની મિત્રતા પણ જળવાઈ રહી હતી. ભારતની દરખાસ્તને પગલે આફ્રિકન યુનિયનને પણ જી20નું કાયમી સભ્યપદ આપવામાં આવ્યું હતું.
યજમાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે સમીટના પ્રથમ દિવસે નેતાઓએ ઘોષણાપત્ર અપનાવ્યું છે. આ સર્વસંમતિ આશ્ચર્યજનક હતી, કારણ કે જી-20 દેશોમાં યુક્રેન યુદ્ધને મુદ્દે તીવ્ર મતભેદો હતા. પશ્ચિમી રાષ્ટ્રોના નેતાઓએ ઘોષણાપત્રમાં રશિયાની સખત નિંદા માટે દબાણ કર્યું હતું, પરંતુ અન્ય દેશોએ વ્યાપક આર્થિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની માંગ કરી હતી.