જેફરી એપસ્ટેઇન સાથેના સંબંધો અંગેનો અહેવાલ પ્રકાશિત કરવા બદલ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ધ વોલ સ્ટ્રીટ જર્નલ અને મીડિયા મુગલ રુપર્ટ મર્ડોક સામે 10 અબજ ડોલરનો દાવો માંડ્યો હતો. અમેરિકામાં હાલમાં એપસ્ટેઇનના સેક્સ ટ્રાફિકિંગ કેસના મુદ્દા રાજકીય ઘમસાણ ચાલે છે. એપસ્ટેઇન સામે અનેક સગીર યુવતીઓને સેક્સ નેટવર્કમાં સામેલ કરવાના આરોપ હતાં.
અગાઉ ન્યાય વિભાગે આ કેસ સંબંધિત વધુ ફાઇલો જારી ન કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતનો ભારે વિરોધ થતાં આખરે શુક્રવારે ન્યાય વિભાગે સેક્સ ટ્રાફિકિંગ કેસમાં ગ્રાન્ડ જ્યુરીના ટ્રાન્સસ્ક્રીપ્ટને જારી કરવાની ફેડરલ કોર્ટના સૂચના આપી હતી.
આ વિવાદથી ટ્રમ્પ અને તેમના વફાદારો વચ્ચે મોટી તિરાડ પડી છે. ટ્રમ્પના સૌથી વધુ બોલકા સમર્થકો પણ વ્હાઇટ હાઉસ દ્વારા આ કેસને જે રીતે હેન્ડલ કરવામાં આવ્યો છે તેની ટીકા રહ્યાં છે. તેઓ સવાલ ઉઠાવી રહ્યાં છે કે ટ્રમ્પ દસ્તાવેજોને જાહેર કેમ નથી કરવા માંગતા.
વર્તમાનપત્ર ધ વોલ સ્ટ્રીટ જર્નલે ટ્રમ્પ અને એપસ્ટેઇન વચ્ચેના સંબંધોનો પર્દાફાશ કરતાં એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. તેમાં ટ્રમ્પના નામ સાથેના એક અશ્લીલ પત્રનો ઉલ્લેખ કરાયો છે. આ પત્ર ટ્રમ્પે એપસ્ટેઇનને લખ્યો હોવાનું માનવામાં આવે છે અને તેનો 2003માં એપસ્ટેઇનના 50મા જન્મદિવસ માટે સંકલિત આલ્બમમાં સમાવેશ કરાયો હતો.
ટ્રમ્પે આવો કોઇ પત્ર લખ્યો હોવાનો ઇનકાર કરીને જણાવ્યું હતું કે વર્તમાનપત્રનો અહેવાલ ખોટો, દુર્ભાવનાપૂર્ણ અને બદનક્ષીભર્યો છે. ટ્રમ્પે માયામીની ફેડરલ કોર્ટમાં દાવો માંડ્યો છે અને જણાવ્યું હતું કે અખબાર અને તેના પત્રકારો જાણીજોઈને અને બેદરકારીથી ખોટા, બદનક્ષીભર્યા અને અપમાનજનક અહેવાલ પ્રકાશિત કર્યો છે. તેનાથી તેમને નાણાકીય રીતે અને પ્રતિષ્ઠાની રીતે મોટું નુકસાન થયું છે.
જોકે આ વર્તમાનપત્રના પ્રકાશક ડાઉ જોન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમને અમારા રિપોર્ટિંગની ચોકસાઈ પર સંપૂર્ણ વિશ્વાસ છે, અને અમે કોઈપણ મુકદ્દમા સામે જોરશોરથી બચાવ કરીશું. જેફરી એપસ્ટેઇનની 2006માં ધરપકડ કરાઈ હતી અને તે પછી ટ્રમ્પ સાથેના તેના સંબંધો કથળ્યાં હતાં.
