ભારતમાં મેટ્રોમેન તરીકે ઓળખાતા ઇ શ્રીધરન (ફાઇલ ફોટો (Photo by PRAKASH SINGH/AFP via Getty Images)

કેરળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ગુરુવારે મેટ્રોમેન તરીકે ઓળખાતા ઈ શ્રીધરનને પાર્ટીના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. 88 વર્ષના શ્રીધરન ગયા સપ્તાહે ભાજપમાં જોડાયા હતા. તાજેતરમાં જ ચૂંટણી પંચે કેરળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી અને કેરળમાં ભાજપનો પ્રભાવ ઓછો છે, તેથી તે કોઇ જાણીતો ચહેરો લાવવા માગતો હતો.

ઈ શ્રીધરન 25 ફેબ્રુઆરીના રોજ સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થયા હતા. તાજેતરમાં તેમણે જણાવ્યું હતું કે જો ભાજપ ઈચ્છશે તો તેઓ વિધાનસભા ચૂંટણી લડશે અને મુખ્યપ્રધાન પદ માટે દાવેદારી પણ કરશે. મેટ્રો મેન તરીકે જાણીતા અને વિશાળ માળખાકીય યોજનાઓને પૂર્ણ કરવામાં કુશળ ગણાતા 88 વર્ષીય ટેક્નોક્રેટ શ્રીધનરે કહ્યું કે, તેમનો મુખ્ય ઉદ્દેશ ભાજપને કેરળમાં સત્તામાં લાવવામાં મદદ કરવાનો છે. ભારતીય જનતા પાર્ટીમાં શ્રીધરનની એન્ટ્રીને કેરળમાં પક્ષ માટે સૌથી મોટું પ્રોત્સાહન માનવામાં આવે છે.

ભાજપમાં જોડાતા પહેલા શ્રીધરને સ્પષ્ટ કરી દીધું હતું કે, તેમને રાજ્યપાલનું પદ સંભાળવામાં કોઈ રસ નથી. તેમણે કહ્યું કે આ સંપૂર્ણ રીતે બંધારણીય પદ છે અને કોઈ શક્તિ નથી તેમજ તેઓ આવા પદે રહીને રાજ્ય માટે કોઈ સકારાત્મક યોગદાન આપી શકે નહીં.