ગુજરાત સરકારે ગુટખા અને તમાકુનો પ્રતિબંધ એક વર્ષ માટે લંબાયો હોવાની જાહેરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી છે. આના કારણે નશાની બંધાણીઓને અને તેનું વેચાણ કરતા લોકોને મોટો ફટકો પડશે. ગુજરાતમાં ગુટખા, તમાકુનો પ્રતિબંધ મૂકાતા હવે તેનું વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર પણ પ્રતિબંધ યથાવત્ રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાની 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ દુકાનદાર કે વ્યક્તિ ગુટખા, તમાકુનું વેચાણ કરી શકશે નહીં. છેલ્લા 3 વર્ષમાં રૂપિયા 11 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું નીતિન પટેલે જણાવ્યું છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ – 2006 અન્વયે રાજ્યમાં આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું ગેરકાનૂની ગણાશે.
શ્રી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
તેમણે ઉમેર્યુ કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જે હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકું કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. તેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ગુટકાના વેચાણના સંદર્ભમાં છેલ્લા ત્રણ વર્ષમાં આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે 10 હજાર પેઢીઓની તપાસ કરી આશરે રૂપિયા 11 લાખ જેટલો દંડ વસુલ કર્યો છે.