ભારતની મીરાબાઈ ચાનુએ ટોકિયો ઓલિમ્પિકમાં શનિવારે વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ઈતિહાસ સર્જ્યો છે. 49 કિલોની કેટેગરીમાં ચાનુએ દેશને આ ગૌરવ અપાવ્યું છે. ભારતને વેઈટલિફ્ટિંગમાં 21 વર્ષ અગાઉ મેડલ મળ્યો હતો. ચાનુએ ક્લીન એન્ડ જર્કમાં 115 કિલો અને સ્નેચમાં 87 કિલો સાથે 202 કિલો વજન ઉપાડની સિલ્વર મેડલ જીત્યો છે.
અગાઉ વર્ષ 2000માં સિડની ઓલિમ્પિકમાં કર્ણમ મલ્લેશ્વરીએ ભારતને વેઈટ લિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.
ચાનુ કરતા આગળ રહેલી ચીનની હોઉ જિઉઈએ 210 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ અને ઈન્ડોનેશિયાની એસાહ વિંડી કાંટિકાએ 194 કિલો વજન ઉંચકીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
ચાનુની સફળતાથી ભારતમાં ખુશી વ્યાપી છે. પ્રેસિડેન્ટ રામ નાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ ચાનુને અભિનંદન પાઠવ્યા છે.આ પહેલા ચાનુ 2017માં 48 કિલો કેટેગરીમાં ચેમ્પિન બની હતી. વર્ષ 2016ની રિયો ઓલિમ્પિક નિરાશજનક રહી હતી, જ્યારે 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
તેણે અમેરિકામાં ટ્રેનિંગ લીધી હતી અને ત્યાંથી તે ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે ટોકિયો પહોંચી હતી.