અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કેરોલિનામાં ચૂંટણીપ્રચાર દરમિયાન લોકોને ત્રણ નવેમ્બરની ચૂંટણીમાં બે વખત મતદાન કરવાની સલાહ આપી છે. એક વખત મેઇલ મારફત અને એક વખત રૂબરુમાં મતદાન કરવાની આ વણમાગી સલાહથી વિવાદ ઊભો થયો છે.
નોર્થ કેરોલિનામાં WECT-TVને બુધવારે આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે મેઇલ મારફત મત મોકલો અને ત્યાં જઈને પણ મતદાન કરો. તેઓ કહે છે તે મુજબ સિસ્ટમ સારી હશે તો દેખિતી રીતે આવી રીતે મતદાન થઈ શકશે નહીં.
ટ્રમ્પ કોઇપણ પુરાવા વગર વારંવાર દાવો કરી રહ્યા છે કે કોરોના વાઇરસને કારણે કેટલાંક રાજ્યોમાં મેઇલ મારફત મતદાન કરવાની છૂટ આપવામાં આવી છે અને તેનાથી નવેમ્બરની ચૂંટણીમાં ગેરરીતિ વધશે અને ચૂંટણીમાં ચેડાં થશે. જોકે નિષ્ણાતો જણાવે છે કે અમેરિકામાં કોઇ પણ પ્રકારે ચૂંટણી ગેરરીતિ ભાગ્યે જ થાય છે.
એક કરતાં વધુ વખત મતદાન કરવું ગેરકાનુની છે. નોર્થ કેરોસિના સહિતના કેટલાંક રાજ્યોમાં એક વખત વધુ વખત મત આપવો તથા આવું કરવા બીજાને પ્રોત્સાહન આપવું તે એક અપરાધ છે. શુક્રવારે નોર્થ કેરોલિનામાં મેઇલ દ્વારા મતદાન થશે.
સ્ટેટ એટર્ની જનરલ જોશ સ્ટીને ટ્વીટર પર જણાવ્યું હતું કે રિપબ્લિકન પ્રેસિડન્ટ ચૂંટણી કેટલાંક લોકો ગેરરીતિ કરી શકે તે માટે નોર્થ કેરોસિનાના લોકોને કાયદાનો ભંગ કરવાનું ખોટું પ્રોત્સાહન આપી રહ્યા છે.
જોકે પછીથી વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે બે વખત મતદાન કરો તેવું પ્રેસિડન્ટ કહેવા માગતા ન હતી. પ્રેસિડન્ટ કોઇપણ ગેરકાયદેસર કામ કરવાની સલાહ આપી રહ્યા નથી.