પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલે અધિકૃત રીતે બુધવારથી હોલીવૂડમાં પોતાની નવી કારકિર્દી શરૂ કરી છે. તેમણે આ માટે અસરકારક ફિલ્મ અને ટીવી સીરીઝ બનાવવા માટે સ્ટ્રીમિંગ જગતના માંધાતા નેટફ્લિક્સ સાથે કરાર કર્યા છે. આ દંપતી આ વર્ષની શરૂઆતમાં બ્રિટનમાં પોતાનો રાજવી ઠાઠ છોડી કેલિફોર્નિયામાં સ્થાયી થયું છે. જોકે, તેમના અનેક પ્રકારના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, આમ છતાં ‘સ્યુટ્સ’ની અભિનેત્રી મર્કેલનું અભિનયમાં પાછા ફરવાનું હાલમાં કોઇ આયોજન નથી. ડ્યુક અને ડચેઝ ઓફ સસેક્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જુદા જુદા સમૂદાયો અને તેમની જીવનશૈલી સાથેના વિશ્વમાં લોકો અને તેના કારણો ઉજાગર કરવા માટે અમારું ધ્યાન એવી સામગ્રીનું સર્જન કરવા પર કેન્દ્રિત કરવામાં આવશે જે માહિતીની સાથે આશા પણ આપે છે.
અમે એક નવા માતા-પિતા તરીકે અમારા માટે પારિવારિક જીવનનું પણ મહત્ત્વ સમજીએ છીએ. આ ડોક્યુમેન્ટ્રી સીરીઝ અને એનિમેટેડ સીરીઝના પ્રથમ પ્રોજેક્ટ્સમાં પ્રેરણારૂપ મહિલાઓને કેન્દ્રમાં રાખવામાં આવી છે. તેમના હેતુ અંગે દંપતીએ જણાવ્યું હતું કે, જે કાર્યો થયા નથી તે અસરકારક કાર્યોને જાહેર કરવાના છે. આ કરારની નાણાંકીય વિગતો જાહેર થઇ નથી, પરંતુ કહેવાય છે કે, તે ઘણા વર્ષ માટે છે અને તે ખાસ નેટફ્લિક્સ માટે છે. આ દંપતી લોસ એન્જેલિસમાં થોડો સમય રહ્યા પછી, તાજેતરમાં સાંતા બાર્બરામાં નવા ઘરમાં રહેવા ગયું છે. ત્યાં તેમને તેમના પુત્ર આર્ચીનો ફોટો લેવા બાબતે પાપારાઝી સાથે કાયદાકીય વિવાદ થયો છે. તેમના નવા પડોશીઓમાં મનોરંજન જગતના માંધાતા ઓપ્રાહ વિનફ્રે અને એલન ડીજનરેસનો સમાવેશ થાય છે. લાંબા સમયથી આ દંપતીની ઇચ્છા હોલીવૂડમાં જવાની છે તાજેતરમાં ડિઝની, એપ્પલ અને એનબીસી યુનિવર્સલના રીપોર્ટમાં તેવી અટકળો વહેતી થઈ હતી.
હેરીને તાજેતરમાં પેરાલિમ્પિક્સ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘રાઇઝિંગ ફીનિક્સ’ દર્શાવવામાં આવી હતી, જેને મર્કેલે ડિઝની માટેની વન્યજીવનની ડોક્યુમેન્ટ્રી લેખાવી હતી. આ પ્રોજેક્ટ અંગેની વધુ વિગતો હજુ સુધી જાહેર થઇ નથી પરંતુ આ દંપતી જુદી જુદી સીરીઝ, ફિચર ફિલ્મ અને બાળકો માટેના પ્રોગ્રામ બનાવવા ઇચ્છે છે. ઉપરાંત તેમણે કેલિફોર્નિયામાં કંઇક અર્થપૂર્ણ કામગીરી કરવાની ઇચ્છા દર્શાવી હતી અને ત્યાં તેમણે આર્ચવેલ નામની બિનનફાકીય સંસ્થા શરૂ કરી હતી. વિશ્વભરમાં નેટફ્લિક્સના 190 મિલિયન ગ્રાહકો છે.
નેટફ્લિક્સના સહ સીઇઓ અને ચીફ કન્ટેન્ટ ઓફિસર ટેડ સેરેનડોસે આ અંગે જણાવ્યું હતું કે, હેરી અને મેઘને તેમની અધિકૃતતા, સકારાત્મકતા અને નેતૃત્વથી વિશ્વના અનેક લોકોને પ્રેરણા આપી છે. તેઓ વાર્તાઓ રજૂ કરવા ઉત્સાહિત છે અને તેનાથી લોકોની સમજમાં પણ વધારો થશે.