ચીનના રાજધાની બૈજિંગમાં છ મહિના પછી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ચાલુ થઈ છે. સત્તાવાર જાહેરાતમાં જણાવાયું હતું કે ગુરુવારથી પાકિસ્તાન સહિતના આઠ દેશોમાંથી ફ્લાઇટને મંજૂરી મળી છે.

કોરોના મહામારીને કારણે 23 માર્ચથી બૈજિંગમાં તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે ત્યાં ગુરુવારથી સીધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ફરી ચાલુ કરાઈ છે. તેનાથી સંકેત મળે છે કે શહેરમાં મહામારીની સ્થિતિ અંકુશમાં છે.

એશિયાના થાઇલેન્ડ, કમ્બોડિયા અને પાકિસ્તાન તથા યુરોપના ગ્રીસ, ડેનમાર્ક, ઓસ્ટ્રીઆ તથા સ્વિડન તથા નોર્થ અમેરિકામાં કેનેડાની ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી છે.

બૈજિંગ હેલ્થ ઓથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બૈજિંગમાં પ્રવેશતા તમામ આંતરાષ્ટ્રીય મુસાફરોને મેડિકલ તપાસ માટે 14 દિવસના કલેક્ટિવ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવશે. તેમના બે વખત ટેસ્ટ થશે. બેઇજિંગમાં બુધવારે સતત 26માં દિવસે કોરોના કોઇ નવા કેસ નોંધાયા ન હતા. દરમિયાન ભારતે બુધવારે ચીનમાંથી તેની ચોથી વંદે ભારત ફ્લાઇટનું સંચાલન કર્યું હતું.