ભારતીય અમેરિકનો રાજકારણ સાથે સંકળાય તે માટેનો સમય પાકી ચૂક્યો હોવાનું જણાવતા યુએન ખાતેના ભૂતપૂર્વ રાજદૂત અને ભારતીય અમેરિકન નિકી હેલીએ ભારતીય અમેરિકનોને શરમ છોડી પોતાની સિદ્ધિઓની ગાથા જાહેરમાં કહેવા, જાહેર જીવનમાં આગળ ધપવા અનુરોધ કર્યો હતો.

આજીવન રીપબ્લિકન રહેલા તથા પક્ષમાં ઉભરી રહેલા સિતારા નિકી હેલીએ જણાવ્યું હતું કે રીપબ્લિકન કે ડેમોક્રેટ પાર્ટી ગમે તે સાથે માત્ર મતદાર તરીકે નહીં, સક્રિય રીતે સંકળાઓ. પક્ષમાં હોદ્દા, સભ્ય, સરકારમાં સ્થાન કે પછી જાહેર સાહસમાં શરમ છોડીને સામેલ થવું રહ્યું. નિકીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારતીયો જેને પણ સ્પર્શ કરે છે તેની સાથે વધુ સારી રીતે જોડાતા હોય છે. ભારતીય અમેરિકનો રાજકારણ સાથે પણ એવી જ રીતે જોડાઇને પ્રગતિશીલ રહ્યાનું પણ સ્વાભાવિક રહ્યું છે.

ભારતીય સમુદાયને સંદેશો પાઠવવા ભારત અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી ફોરમની વાર્ષિક શિખર બેઠકના મંચનો ઉપયોગ કરતાં નિકી હેલીએ તેના જેવા જ બીજા સફળ ભારતીય અમેરિકન અને માસ્ટર કાર્ડના સીઇઓ અજય બાંગા સાથે વર્ચ્યુઅલ કન્વર્સેશનમાં પણ ભાગ લીધો હતો.

નિકી ભારતીય સમુદાયમાં સૌથી ઊંચા ગજાના રાજકીય નેતા છે. અમેરિકન સરકારમાં કેબિનેટ દરજ્જાના હોદ્દા ઉપર અન્ય કોઇ ભારતીય પહોંચ્યા નથી. પ્રમુખ ટ્રમ્પે 2017માં નિકીને યુએન ખાતે રાજદૂત નીમ્યા હતા. નિકી હેલી બે વખત સ્ટેટ ગવર્નર પણ રહી ચૂક્યા છે. આવું માન બીજા ભારતીય બોબી જિન્દાલને મળ્યું હતું.

ભારતીય સમુદાયમાં આવો મોભારૂપ તાજ ધરાવતા નિકીએ જોકે બીજા ભારતીય અમેરિકન કમલા હેરિસ ઉપપ્રમુખપદે વિજયી બનશે તો આ તાજ કદાચ ગુમાવવો પડશે. કમલા હેરીસ ડેમોક્રેટીક પક્ષના નોમિની જો બિડેનની સાથે ઉપપ્રમુખપદ માટે ચૂંટણી લડી રહ્યા છે. નિકી હેલીએ થોડાક સમય પૂરતો હોદ્દો ગુમાવ્યો હોવા છતાં પક્ષમાં ફરીથી ચાવીરૂપ પ્રતિભાનું માન વધારવાની સાથોસાથ ટ્રમ્પને પ્રમુખપદ માટે ફરીથી નોમિનેશન આપતા ડેમોક્રેટીક કન્વેન્શનમાં મુખ્ય વક્તાનું માન મેળવ્યું હતું. નિકી હેલી 2024માં પ્રમુખપદ માટે નોમીનેશન મેળવે તેવી વ્યાપક ધારણા છે.

અમેરિકામાં ભારતીય મૂળના અમેરિકનોની સંખ્યા અંદાજે 4 મિલિયન છે. અમેરિકાની વસતીના આશરે 1 ટકા જેટલા ભારતીય અમેરિકનો માત્ર સંખ્યા જ નહીં શિક્ષિત, સમૃદ્ધ અને ઉદાર સખાવતીઓ પણ છે. નિકી હેલીએ કહ્યું હતું કે, ભારતીય અમેરિકનોના આવા ગુણોના કારણે જ પોતાને ભારતીય અમેરિકન હોવાનું ગૌરવ છે.

નિકીએ ભારતીય અમેરિકનોને આવા ઉદ્દાત ગુણો અને સાહસની ગાથા જાહેરમાં રજૂ કરવા જણાવતા ઉમેર્યું હતું કે, આપણી અગાઉ આવેલા અને ચોક્કસ સ્તરે પહોંચેલાઓએ જ પરિશ્રમ કર્યો હતો તેવું નથી. ભારતીય અમેરિકનોએ સંઘર્ષ કર્યો જ છે અને તેવા સંજોગોમાં આપણા સંઘર્ષ અને ગુણોની પણ વાત કરવી જ જોઇએ. આપણે વધુ પડતા શરમાળ અને નમ્ર રહેવાની જરૂર નથી. આપણે પણ આગળ વધીને જે ક્ષેત્રમાં નીવડી શકીએ તેમ છીએ તે જાહેર કરવું રહ્યું. નિકીએ વધુમાં ઉમેર્યું હતું કે, શિક્ષણ વેપારધંધા કે હેલ્થકેરના વિભિન્ન પરિબળો અંગે આપણે યોગદાન આપી શકીએ છીએ, જે આ મહાન દેશમાં વધુ પ્રદાનરૂપ છે. તેનાથી અત્રે વસતા લોકો ભારતીય સમુદાય માટે વધુ ગૌરવ લઈ શકે.

અમેરિકામાં વ્હાઇટ હાઉસ, શૈક્ષણિક બોર્ડ હોય કે અન્ય કોઇ પણ હોદ્દાઓ માટે ઝંપલાવનારા ભારતીય અમેરિકનોની સંખ્યાના કોઇ આંકડા હોય કે ના હોય, પરંતુ અત્યંત મહત્વના હોદ્દાઓ ઉપર ચૂંટાતા ભારતીય અમેરિકનોની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે. નિકીએ આ સંખ્યામાં હજુ વધારો કરવા વધુ ને વધુ ભારતીય અમેરિકનોને આગળ આવવા અનુરોધ કર્યો હતો.

અમેરિકન કોંગ્રેસમાં 1956માં એકમાત્ર ભારતીય અમેરિકન દલીપસિંહ સૌંદ હતા. આ સંખ્યા આજે વધીને પાંચ થઇ છે. અમેરિકન સેનેટમાં કમલા હેરિસ છે જ્યારે હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવમાં અમી બેરા, પ્રમિલા જયપાલ, રાજા કૃષ્ણમૂર્તિ અને રો ખન્ના ભારતીય અમેરિકનો છે.