ફ્રાંસના પ્રમુખ એમાનુલ માક્રોને મહંમદ પયગમ્બર સાહેબના કાર્ટૂનને વખોડવા ઇન્કાર કરતાં જણાવ્યું હતું કે, ફ્રાંસમાં અભિવ્યક્તિની આઝાદી છે. લેબેનોનની મુલાકાત દરમિયાન માક્રોને જોકે જણાવ્યું હતું કે, ફ્રેંચ નાગરિકોએ પરસ્પર સભ્યતા, સન્માનની ભાવના રાખી ધિક્કારની વાતથી દૂર રહેવું રહ્યું. ચાર્લી હેબ્ડો મેગેઝિનની ઓફિસ ઉપર 2015માં ત્રાસવાદી હુમલો કરાયો હતો. આ હુમલામાં 12નાં મોત નિપજ્યા હતા. આ કેસની સુનાવણી વખતે મેગેઝીને પયગમ્બરના એ કાર્ટૂન ફરી પ્રકાશિત કર્યા હતા. ચાર્લી હેબ્ડો મેગેઝિન અને અન્ય પ્રકાશનોમાં પહેલી વખત પયગમ્બરનાં કાર્ટૂનો પ્રકાશિત થયા ત્યારે જ મુસ્લિમ જગતમાં નારાજગીનું મોજું પ્રસર્યું હતું, જેના ભાગરૂપે 2015નો હુમલો થયો હતો.