યુકેમાં કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ આવે તો તેના કારણે ઘરમાં રહેતા લોકોને નાણાકીય મદદ કરવાનું જોન્સન સરકાર વિચારે છે તેમ અધિકૃત સૂત્રોએ જણાવ્યું છે.
જોકે, હજુ આ બાબતે અંતિમ મંજૂરી મળવાની બાકી છે પરંતુ ડ્રાફ્ટ ગવર્મેન્ટ પોલિસી પેપરમાં 500 પાઉન્ડની મદદ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. અત્યારે આ મદદ ઓછી આવક ધરાવતા લોકોને જ આપવામાં આવે છે.
જો આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવશે તો યુકેની સરકારને દર મહિને બે બિલિયન પાઉન્ડનો ખર્ચ થશે. પ્રસ્તાવમાં જણાવાયું છે કે લોકોને ડર છે કે, જો તેઓ ઘરમાં આઇસોલેટ થશે તો તેમની આવક બંધ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં અત્યારે ત્રીજું રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અમલમાં છે. યુરોપીયન દેશો પૈકી બ્રિટનમાં કોરોનાને કારણે સૌથી વધુ મૃત્યુ થયા છે. છેલ્લી માહિતી મુજબ યુકેમાં અત્યાર સુધી 94,580 લોકોનાં કોરોનાને કારણે મોત થયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કવોરાઇન્ટાઇન થવાના ડરથી લોકો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં ખચકાટ અનુભવી રહ્યાં છે અને તેના લક્ષણો ધરાવતા લોકો પૈકી ફક્ત 17 ટકા જ ટેસ્ટ કરાવી રહ્યાં છે. બીજી તરફ વડાપ્રધાન બોરિસ જોન્સને લોકડાઉનને ઉનાળા સુધી લંબાવવાના સંકેત આપ્યા છે.