ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં કોરોનાની ચેઈન તોડવા ત્રણ-ચાર દિવસનો કરફ્યુ લગાવવો જરુરી હોવાનો નિર્દેશ કર્યા બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે જણાવ્યું હતું કે હાઈકોર્ટમાં સરકારના વકીલ કમલ ત્રિવેદી સાથે આ અંગે ચર્ચા થઈ છે. સમગ્ર રિપોર્ટ સાંજે ગાંધીનગર પહોંચશે અને તેના પર ચર્ચા-વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. કોર્ટે લોકડાઉન અંગે નિર્દેશ કર્યા બાદ અમદાવાદ સહિતના શહેરોમાં લોકોએ ખરીદી માટે મોલ અને દુકાનોમાં લાઈનો લગાવી દીધી હતી.

સુરતમાં પત્રકારો સાથે વાતચીત કરતાં રૂપાણીએ જણાવ્યું હતું કે લોકોને કોઈ તકલીફ ના પડે તે સરકારની જવાબદારી છે. સાથે લોકો કોરોનાથી મુક્ત રહે તેના માટે પણ સરકાર જવાબદાર છે. જેથી સરકાર લોકોના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેશે.

રુપાણીએ કહ્યું હતું કે રાજ્યમાં દર્દીઓ અને મૃતકોના આંકડા વધી રહ્યા છે તે સરકારના ધ્યાનમાં છે. આ અંગે સરકાર ગંભીર છે અને સંક્રમિતોનો મૃત્યુદર ઘટે તે માટે તમામ જરુરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.ગુજરાતમાં હાલના દિવસોમાં 1.20 લાખ જેટલા દરરોજ ટેસ્ટિંગ થઈ રહ્યા છે. જે લોકો પોઝિટિવ આવે છે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ શોધીને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. પોઝિટિવ દર્દીની ઝડપથી ટ્રીટમેન્ટ થાય તે માટે 104 હેલ્પલાઈનની વ્યવસ્થા કરાઈ છે. તેના પર ફોન કરતાં જ સરકારી વાન પેશન્ટના ઘરે પહોંચી જશે અને તેની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે. આ ઉપરાંત, હોમ ક્વોરન્ટાઈન દર્દીઓ માટે સંજીવની રથ પણ ચાલુ કરવામાં આવ્યા છે અને તેમનું રોજેરોજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

બાળકોમાં પણ કોરોના ફેલાયો હોવા અંગે તેમણે જણાવ્યું હતું કે બાળકોને પણ સારવાર મળી રહે તે માટે પગલાં લેવાઈ રહ્યા છે, અને શાળા-કોલેજો પણ બંધ કરી દેવાઈ છે.

રાજ્યમાં રેમડેસેવીર ઈન્જેક્શનોની અછત ન હોવાના દાવો કરતાં રૂપાણીએ જણાવ્યું હતું કે દવાની કોઈ શોર્ટેજ નથી. સરકારે રેમડેસેવિરના ત્રણ લાખ ડોઝનો ઓર્ડર કર્યો છે. ગુજરાતની જ કંપની ઈન્જેક્શન બનાવે છે. રોજના 20-25 હજાર ઈન્જેક્શનનો હાલ સપ્લાય ચાલુ કરી દેવાયો છે. સુરતમાં પણ સોમવારે બે હજારનો સ્ટોક હતો અને આજે રાત સુધીમાં બીજા અઢી હજાર ઈન્જેક્શન અહીં પહોંચી જશે. રેમડેસેવીર ઈન્જેક્શન માટે દર્દીના સગાને ક્યાંય ફરવું ના પડે તે માટે ખાનગી હોસ્પિટલોમાં પણ તેનો જથ્થો પૂરો પાડવામાં આવશે.

રૂપાણીએ જાહેરાત કરી હતી કે સુરતમાં થોડા સમયમાં 800 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરાશે. સુરતમાં સંજીવની રથોની સંખ્યા આગામી દિવસોમાં વધારીને 100 સુધી કરવામાં આવશે. સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને આગામી દિવસોમાં તેમાં હજુય વધારો થાય તેવી શક્યતા છે. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે રાજ્યમાં રોજના 4 લાખ લોકોને વેક્સિન અપાઈ રહી છે. યોગ્ય રીતે માસ્ક પહેરનારા માંડ 2 ટકા લોકોને જ કોરોના થાય છે. આમ, લોકો તેની ગંભીરતા સમજીને માસ્ક પહેરવાનું ના ચૂકે.