લોર્ડ રેમી રેન્જર CBE દ્વારા મુવી ‘ધ કશ્મિર ફાઇલ્સ’ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને અભિનેત્રી પલ્લવી જોશીના માનમાં તા. 9મી જૂન, 2022ને ગુરુવારે બપોરે એક લંચ કાર્યક્રમનું આયોજન હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે કરવામાં આવ્યું હતું.

લોર્ડ રેમી રેન્જર CBEએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે ‘’ધ કશ્મિર ફાઇલ્સ મુવીએ લોકોના હ્રદયને સ્પર્શ કર્યો હતો. ફિલ્મ દ્વારા ઘણાં વર્ષો સુઘી કરાયેલા અત્યાચારો બહાર આવ્યા હતા. ત્યારે લોકોને ભોગ બનવા છોડી દેવાયા હતા. મેં આ ફિલ્મ જોઇ છે અને અત્યાચારો જોઇને મારૂ હ્રદય રડી ઉઠ્યું હતું. મારો પરિવાર પણ આઝાદી પછી થયેલી હિંસાનો ભોગ બન્યો હતો અને મારા પિતાની પાકિસ્તાનમાં કટ્ટરવાદી લોકો દ્વારા હત્યા કરાઇ હતી. મારા પિતાની ઇજ્જતને કારણે અમે સૌ ટ્રેઇનના કોલ કમ્પાર્ટમેન્ટમાં બેસીને ભારત આવી શક્યા હતા. મારી માતાએ કરેલી મહેનતથી મારા પાંચેય ભાઇઓ ભારતીય સેનામાં કમિશન્ડ ઓફિસર્સ બન્યા હતા. સાચા અર્થમાં ધર્મ લોકોને નીચા પાડવા કે હાની પહોંચાડવા માટે નહિ પણ શાંતિ માટે છે. હું વડા પ્રધાન મોદીને સલામ કરૂ છું કે તેમણે કલમ 370ને રદ કરી. કાશ્મિરના લોકો હવે ભારતના વિકાસનો વિપુલ પ્રમાણમાં લાભ લઇ શકશે.’’

ફિલ્મની અભિનેત્રી પલ્લવી જોશીએ જણાવ્યું હતું કે ‘’આજે આપણે સૌ અહિં છીએ તે ખાસ અલગ હેતુ માટે છીએ. કાશ્મિરી પંડિતો જે રીતે પરેશાન થયા છે તેના અમે સાક્ષી બન્યા છે. આખો મામલો ઇગ્નોર કરાયો હતો, તેને પધ્ધતિસર સાઇડલાઇન કરાયો હતો. આખા સમુદાયને ખીણમાંથી કાઢી મુકાયો હતો. આ ફિલ્મ દ્વારા અમે તેમને ન્યાય અપાવવાનો એક પ્રયાસ કર્યો છે.‘’

વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે ‘’લોર્ડ રેન્જરના પિતા શહીદ થયા છતાં તેમણે આકરી મહેનત કરી જે સફળતા મેળવી તેની સરાહના કરૂ છું. આપણે પૂરવાર કર્યું છે કે આપણે સૌ મહેનતુ છીએ. તેને કારણે ભારતીયોને આખા વિશ્વમાં દરેક ક્ષેત્રે માનભરી નજરે જોવાય છે. ભારત સરકાર અને મોદીએ કોવિડ-19 રોગચાળાને જે રીતે હેન્ડલ કર્યો અને ભારતે રસીકરણ કરી વિશ્વભરના લોકોને મદદ કરી તે કાબિલે તારીફ છે. કાશ્મિર ફાઇલ્સ અવાજ વગરના લોકોને અવાજ આપવાનો પ્રયાસ હતો. અમારી આગામી ફિલ્મ ભારતના વૈજ્ઞાનિક પર અને પછીની ફિલ્મ ‘દિલ્હી ફાઇલ્સ’ હશે. આપણે ત્રાસવાદ સામે એક થઇને લડવાનું છે. પરંતુ કમનસીબી એ છે કે તેમ કરતા આપણને ઇસ્લામોફોબિક ગણાવાય છે.‘’

એમપી થેરેસા વિલીયર્સે જણાવ્યું હતું કે ‘’કાશ્મિર ફાઇલ્સે ટેરીબલ ક્રાઇમ સ્ટોરીને ઉજાગર કરી છે. હિન્દુઓને જે રીતે નજરઅંદાજ કરાયા હતા તે બતાવ્યું છે. મારા ઘણાં સાથી એમપીઓએ રેશનલ ઇસ્યુ પર પોતાના અવાજ જાગૃત કર્યો નથી.’’

લોર્ડ ભીખુ પારેખે જણાવ્યું હતું કે ‘’લોર્ડ રેમી રેન્જર મારા સાથીદાર છે અને આ દેશમાં ભારતીયો માટે બહુ સારા કાર્યો કર્યા છે. હાલના ભારતનું સ્વપ્ન જગતગુરૂ બનવાનું છે પરંતુ ગાંધીજી ભારત આવ્યા બાદ કદી વિદેશ ગયા ન હતા. ચાઇનીઝ પ્રિમિયરે એક વખત કહ્યું હતું કે તમે જો વિદેશમાં તમારી તાકાત બતાવશો તો ફાયદા કરતા હાની વધારે થશે.’’

આ પ્રસંગે અન્ય અગ્રણીઓએ પ્રાસંગીક પ્રવચોનો કર્યા હતા.