અમેરિકામાં એક ભારતીય અમેરિકન વૈજ્ઞાનિકે સિંધુ ખીણ અંગેના એક અભ્યાસમાં નવા તારણો રજૂ કર્યા છે. આ અભ્યાસ મુજબ વાતાવરણમાં ફેરફારને કારણે ચોમાસાના સ્વરૂપમાં પરિવર્તન થતાં પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિના ઉદભવ અને પતનનું કારણ હોઈ શકે છે. અભ્યાસમાં ઉત્તર ભારતના 5700 વર્ષના આંકડાનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અમેરિકા સ્થિત રોસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના નિશાંત મલિકે પોતાના વિશ્લેષણમાં ઉત્તર ભારતમાં પ્રાચીનકાળના વાતાવરણના સ્વરૂપનો અભ્યાસ કરવા માટે એક નવી ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. આ અંગે ‘કેઓસઃ એન ઇન્ટરડિસીપ્લનરી જર્નલ ઓફ નોનલિનિયર સાયન્સ’માં એક રીસર્ચ રીપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, દક્ષિણ એશિયાની ગુફાઓમાં જમા થયેલા ખનિજમાં ખાસ રાસાયણિક સ્વરૂપોની ઉપસ્થિતિનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિક પાછલા 5700 વર્ષમાં આ વિસ્તારમાં ચોમાસાના વરસાદનો રેકોર્ડ વિકસાવી શકે છે. જોકે, મલિકે જણાવ્યું હતું કે, વાતાવરણને સમજવા માટે ખાસ પ્રકારની ઉપયોગી ગાણિતિક પદ્ધતિઓની સાથે પ્રાચીન વાતાવરણનો અભ્યાસ એક પડકારજનક કાર્ય છે. મલિકે જણાવ્યું હતું કે, સિંધુ ખીણની સંસ્કૃતિનો નાશ કેમ થયો, તે અંગે અત્યાર સુધીમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે. પરંતુ તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં કોઇ ગાણિતિક પદ્ધતિથી આ કામ થયું નથી.