સ્વીડનમાં એક માતા-પિતાએ તેમના ત્રણ બાળકોને કોરોના વાઇરસનો ચેપ લાગવાના ડરે ચાર મહિના ઘરમાં પૂરી દીધા હતા. તેમને હવે કોર્ટના આદેશથી મુક્ત કરાયા છે. આ ઘટના અંગે બાળકોના વકીલે બુધવારે (2 સપ્ટેમ્બર) માહિતી આપી હતી.

વકીલ માઇકલ વેગફોર્સે જણાવ્યું હતું કે, માર્ચ થી જુલાઇ સુધીના સમય દરમિયાન 10થી 17 વર્ષના બાળકો અને પરિવારને એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ હતો. બાળકોને એકબીજાને મળવાની મંજૂરી પણ નહોતી અને તેમને પોતાના જુદા જુદા રૂમમાં રાખવામાં આવ્યા હતા અને તેમને ભોજન પણ તેમાં જ આપવામાં આવતું હતું, તેમ સધર્ન સ્વીડનની જોનકોપિંગ એડમિનિસ્ટ્રેટિવ કોર્ટે જણાવ્યું હતું. આ ઉપરાંત કોર્ટને જણાવાયું હતું કે, કોઇ ઘરની બહાર ન જાય તે માટે ઘરનો દરવાજો ખિલ્લા મારીને બંધ કરવામાં આવ્યો હતો.

સ્થાનિક રેડિયોના રીપોર્ટ મુજબ માતાપિતાએ બાળકોને તેમની ઇચ્છા વિરુદ્ધ રાખવાનો ઇનકાર કર્યો છે અને તેઓ ચુકાદા સામે અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે. અન્ય ઘણા યુરોપિયન દેશોથી વિપરિત સ્વીડનમાં કડક લોકડાઉન લદાયું નથી અને 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સ્કૂલ્સ કાર્યરત હતી. સ્વીડનમાં કોરોનાને કારણે ઉંચો મૃત્યુ દર નોંધાયો છે, ત્યાં એક મિલિયનની વસ્તીએ 575 મૃત્યુ થયા છે. વકીલે જણાવ્યું હતું કે, બાળકોના માતા-પિતા વિશ્વના અન્ય દેશમાંથી આવ્યા છે અને તેઓ સ્વીડિશ ભાષા પણ બરાબર બોલી શકતા નથી.