સાંસદ બોબ બ્લેકમેન

હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા 22 વર્ષ પછી શનિવારના રોજ ગોલ્ડર્સ ગ્રીન ક્રિમટોરીયમ ખાતે શિવ મૂર્તિ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાંસદ બોબ બ્લેકમેને મુખ્ય પ્રવચન કરતાં જણાવ્યું હતું કે ‘’આવી મહત્વપૂર્ણ શિવપૂજાથી બહુ આનંદ થયો છે. આ પૂજાથી જેમના દેહાંત થયા છે અને ખાસ કરીને કોવિડને કારણે મૃત્યુ પામેલા બધા મૃતકોના આત્માને શાંતિ મળશે. અમે હાલમાં સવિશેષ હિંદુ સ્મશાનભૂમિ બાબતે વિચારણા કરી રહ્યા છીએ. ડેનહામમાં એક સાઇટ માટે તપાસ કરાઇ રહી છે અને તેના પર કામ કરી રહ્યા છીએ. મારા સ્વર્ગસ્થ પિતાના અંતિમ સંસ્કાર પણ અહી કરાયા ત્યારે હું બહુ યુવાન હતો.’’

લંડન એસેમ્બલીના સભ્ય, કાઉન્સિલર ક્રુપેશ હિરાણીએ મુખ્ય પ્રવચન કરી આ કાર્યક્રમના આયોજન બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. પૂજા-અર્ચના શાસ્ત્રીજી નીતેશભાઇ મહેતા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આભાર વ્યક્ત કરી પ્રસાદનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે કાઉન્સિલરો કૃપા શેઠ, ભગવાનજીભાઈ ચૌહાણ,અનિતા ઠક્કર, ક્રેમેટોરિયમના જનરલ મેનેજર મિસ્ટર નીલ ઑસ્ટિન, હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટના ચેરમેન અશ્વિન ગલોરિયા, સેક્રેટરી મનુભાઇ મકવાણા, ખજાનચી મહેન્દ્રભાઇ પટ્ટણી, પીઆરઓ રૂપલબેન પંડ્યા, ઉપેન્દ્રભાઇ સોલંકી, નિર્મલાબેન પટેલ, ભરતભાઇ પટેલ, સુમંતરાય દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા.