FILE PHOTO: REUTERS/Adnan Abidi//File Photo/File Photo

ભારત સરકારની નિષ્ણાતોની સમિતિએ મંગળવારે ભારત બાયોટેકની કોરોના વેક્સિનનો બેથી 18 વર્ષના બાળકોમાં ઉપયોગ કરવાની છૂટ આપવાની ભલામણ કરી છે. જોકે બાળકો માટે આ વેક્સિનને અંતિમ મંજૂરી ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા આપશે.

ભારત બાયોટેક અને આઈસીએમઆરએ મળીને કોવેક્સીન બનાવી છે. તે ભારતીય કોરોના વેક્સીન છે. કોરોના વાયરસ સામે કોવેક્સીન ક્લીનિકલ ટ્રાયલમાં લગભગ 78 ટકા અસરકારક સાબિત થઈ હતી.

બાળકો માટેની કોરોના વેક્સીનને લઈને ટૂંક સમયમાં જ ગાઈલાઈન્સ જારી કરશે. તે પછી જ બાળકોને રસી આપવાનું શરૂ કરાશે. જણાવાયું છે કે, બાળકોને પણ મોટાઓની જેમ કોવેક્સીનના બે ડોઝ અપાશે. અત્યાર સુધી થયેલા ટ્રાયલમાં રસીની બાળકોમાં કોઈ આડઅસર જોવા નથી મળી.

આ પહેલા ઝાયડસ કેડિલાની કોરોના વેક્સીન ઝાયકોવ-ડીને ‘ઈમર્જન્સી યૂઝ’ માટે મંજૂરી અપાઈ હતી. તે 12 વર્ષના બાળખો, કિશોરો અને મોટી ઉંમરના લોકોને આપી શકાશે. તે ભારતમાં બનેલી દુનિયાની પહેલી ડીએનએ બેઝ્ડ વેક્સીન હતી. દેશમાં હાલમાં કોવિશીલ્ડ, કોવેક્સીન અન સ્પૂતનિક-વીની રસી માત્ર 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી રહી છે. તેના બે ડોઝ આપવામાં આવે છે. જ્યારે ઝાયકોવ-ડી ત્રણ ડોઝવાળી રસી છે.

આ વર્ષે જુલાઈમાં આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ પ્રધાન મનસુખ માંડવિયાએ સંસદમાં જણાવ્યું હતું કે, દેશમાં બે કંપનીઓ બાળકોની કોરોના વેક્સીનની દિશામાં કામ કરી રહી છે. આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, ઝાયડસ કેડિલાએ તેને લઈને ટ્રાયલ શરૂ કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત બાયોટેક કંપનીએ પણ આ ટ્રાયલ કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે, આ અંગે હજુ તેમને અનૌપચારિક રીતે માહિતી મળી છે.