ડ્યૂક યુનિવર્સિટીના બે ઇન્ડિયન અમેરિકન પ્રોફેસરની પ્રેસિડેન્ટ બાઇડેનના એડમિનિસ્ટ્રેશનમાં વરિષ્ઠ પદો પર નિમણૂક કરવામાં આવી છે. જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સમાં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે રોની ચેરટજીની નિયુક્તિ કરવામાં આવી છે, તેઓ કોમર્સ સેક્રેટરીના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે કાર્ય કરશે.
ચેટરજી અગાઉ ઓબામા એડમિનિસ્ટ્રેશનમાં વ્હાઇટ હાઉસ કાઉન્સિલ ઓફ ઇકોનોમિક એડવાઇઝર્સમાં વરિષ્ઠ અર્થશાસ્ત્રી તરીકે કાર્યરત હતા. તેઓ નવી જવાબદારીમાં સ્પર્ધાત્મકતા, નાવીન્ય, વેપાર અને આર્થિક વૃદ્ધિની નીતિઓ સંબંધિત કાર્ય કરશે.
જ્યારે ડ્યૂક લો પ્રોફેસર આરતી કે. રાયની નિમણૂક કોમર્સ ડિપાર્ટમેન્ટમાં ઓફિસ ઓફ જનરલ કાઉન્સેલમાં વરિષ્ઠ સલાહકાર તરીતે નિમણૂક કરવામાં આવી છે. તેઓ નાવીન્ય અને ટેકનોલોજિકલ સ્પર્ધાત્મકતા સહિતના મુદ્દાઓ ઉપર સલાહ આપશે. કોમર્સ ડિપાર્ટમેન્ટમાં યુએસ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટેક્નોલોજીસ અને ઇન્ટરનેશનલ ટ્રેડ એડમિનિસ્ટ્રેશન સહિતના વિવિધ બ્યૂરોનો સમાવેશ થાય છે. પોતાની નવી નિમણૂક અંગે ચેટરજીએ ખુશી વ્યક્ત કરી હતી. તેઓ ડ્યૂક યુનિવર્સિટીની ફુક્વા સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર છે અને તેમને એન્ટ્રપ્રીન્યોરશિપમાં ઉલ્લેખનીય સંશોધન બદલ કૌફ્ફમેન પ્રાઇઝ મેડલ પ્રાપ્ત થયે છે. આ ઉપરાંત એસ્પેન ઇન્સ્ટિટ્યૂટ તરફથી રાઇઝિંગ સ્ટાર એવોર્ડ અને સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ સોસાયટી ઇમર્જિંગ સ્કોલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ નોર્થ કેરોલિના રાજ્યના ટ્રેઝરર પદ માટે સ્પર્ધામાં હતા. તેમણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી પીએચ.ડીની પદવી મેળવી છે અને કોર્નેલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પ્રાપ્ત કરી છે.
જ્યારે આરતી રાય ડ્યૂક યુનિવર્સિટી સ્કૂલ ઓફ લો ખાતે સેન્ટર ફોર ઇન્નોવેશન પોલિસી લોના પ્રોફેસર ફેકલ્ટી કોર્ડિનેટર તરીકે કાર્યરત છે. તેઓ બૌદ્ધિક સંપત્તિ કાયદા, ઇન્નોવેશન પોલિસી, એડમિનિસ્ટ્રેટિવ લો અને આરોગ્યલક્ષી કાયદાના ક્ષેત્રમાં આતંરરાષ્ટ્રીય નિષ્ણાત તરીકે જાણીતા છે. વર્ષ 2009-10 દરમિયાન તેઓ USPTOમાં ઓફિસ ઓફ પોલિસી એન્ડ ઇન્ટરનેશનલ અફેર્સનાં વડા હતા. તેઓ હાર્વર્ડ કોલેજનાં ગ્રેજ્યુએટ છે.