કોરોના વાઈરસના સંક્રમણને પગલે દેશભરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા લૉકડાઉનને કારણે કામધંધો બંધ થઇ જતા દેશભરના શ્રમિકો પોતાના વતન જવા માટે નીકળી પડ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્રો સાથે સંકલનથી મેળવેલી સંખ્યા પ્રમાણે ગુજરાતમાં 20.95 લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો છે. તંત્ર પહોંચી શક્યું ન હોય અથવા જેઓ હજુ પણ ગુજરાતમાં રહેવા માંગતા હોય તેવા અન્ય 5થી 7 લાખ જેટલા શ્રમિકો હોવાનો અંદાજ છે.

શ્રમિકો વતન પાછા રવાના થઈ રહ્યા હોવાથી આગામી દિવસોમાં ઉદ્યોગોની સ્થિતિ કફોડી બનવાનો અંદાજ છે. ઉદ્યોગજગતના જણાવ્યા પ્રમાણે 65% શ્રમિકોએ પાછા નહીં આવે તો પણ 55 % ઇન્ડરસ્ટ્રીઝનું કામ અટકી જશે. સુરત ક્રેડાઈના પ્રમુખ રવજી પટેલે જણાવ્યું હતું કે કારીગરોની અછના લીધે વિવિધ ક્ષેત્રો પર ગંભીર અસર થશે. ટેક્સટાઇલ, ગોલ્ડ, કન્સ્ટ્રક્શન સહિતના ક્ષેત્રોમાં મોટાભાગના પરપ્રાંતીય શ્રમિકો પરત આવે એવી ઓછી શક્યતા છે.

રાજ્ય સરકાર કેન્દ્રની ગાઇડલાઇન મુજબ 20.95 લાખ શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી રહી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે 14મીની મધરાત સુધીમાં 351 ટ્રેન મારફતે 4.75 લાખ શ્રમિકોને વિવિધ રાજ્યોમાં આવેલા તેમના વતનમાં મોકલવામાં આવ્યા છે. બાકીના લોકો માટે પણ વ્યવસ્થા થઇ રહી છે. સૂત્રો મુજબ લૉકડાઉનના ત્રણ તબક્કા દરમિયાન અંદાજે 5 લાખથી વધુ શ્રમિકો તંત્રની વ્યવસ્થાની રાહ જોયા વિના પગપાળા, પોતાના વાહનમાં કે જે વાહન મળ્યું તેમાં પોતાના વતન પહોંચ્યા છે.