39 Indian cities among the 50 most polluted cities in the world
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત દેશોની યાદીમાં ભારત 2022 દરમિયાન આઠમાં ક્રમે રહ્યું છે. આ યાદીમાં અગાઉના વર્ષે ભારત પાંચમાં સ્થાને હતું. આ ઉપરાંત વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 50 શહેરોમાંથી 39 શેરો ભારતના છે. સ્વીસ કંપની IQAirએ મંગળવારે જારી કરેલા વર્લ્ડ એર ક્વોલિટી રીપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદીમાં પાકિસ્તાનનું લાહોર પ્રથમ અને ચીનનું હોતાન બીજા ક્રમે છે.

આ યાદીમાં રાજસ્થાનનું ભિવંડી ત્રીજા અને દિલ્હી ચોથા સ્થાને છે. વિશ્વના ટોપ 10 પ્રદૂષિત શહેરોમાં છ ભારતના અને ટોચ 20 શેરોમાંથી 14 ભારતના શહેરો છે. ટોપ 50 શહેરોમાં ભારતના 39 શહેરો છે. આ ઉપરાંત ટોપ 100 પ્રદૂષિત શહેરોમાં ભારતના 65 શહેરો છે. દિલ્હીનું પીએમ2.5 લેવલસ સુરક્ષિત ગણાતા લેવલ કરતાં 20 ગણું છે. દિલ્હી અત્યાર સુધી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની રહી છે અને રિપોર્ટમાં ગ્રેટર દિલ્હી અને નવી દિલ્હીની રાજધાની વચ્ચેનો તફાવત દર્શાવવામાં આવ્યો છે. બંને શહેરો ટોચના 10 શહેરોમાં સામેલ છે અને વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની ચાડના એન’જામીના છે.

રીપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતમાં પ્રદૂષણથી આશરે 150 અબજ ડોલરનું આર્થિક નુકસાન થાય છે. હવાનું પ્રદૂષણ (PM 2.5) ફેલાવામાં પરિવહન ક્ષેત્રનો હિસ્સો આશરે 20થી 36 ટકા છે. પ્રદૂષણોનો બીજો મોટો સ્રોત ઉદ્યોગિક એકમો, કોલસાથી ચાલતા વીજળી પ્લાન્ટ બાયોમાસ બર્નિંગ છે.

વિશ્વના ટોચના 10 સૌથી પ્રદૂષિત દેશોમાં ચાડ, ઇરાક, પાકિસ્તાન, બહેરીન, બાંગ્લાદેશ, બુર્કિના ફાસો, કુવૈત, ભારત, ઇજિપ્ત અને તાજિકિસ્તાનનો સમાવેશ થાય છે, જ્યારે ઓસ્ટ્રેલિયા, ઇસ્ટોનિયા, ફિનલેન્ડ, ગ્રેનેડા, આઇસલેન્ડ અને ન્યુઝીલેન્ડ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) PM2.5 ની માર્ગદર્શિકાનું પાલન કરે છે.

વિશ્વના કુલ 131 દેશોના સરકારી અથવા બિનસરકારી 30,000 મોનિટર્સના ડેટાને આધારે આ યાદી તૈયાર કરાઈ છે.

નેશનલ કેપિટલના રિજનના નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પ્રદૂષણના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે જો ગયા વર્ષોમાં નોંધાયેલા સરેરાશ PM2.5 સ્તરની સરખામણી કરવામાં આવે તો ગુરુગ્રામમાં 34 ટકા અને ફરીદાબાદમાં 21 ટકાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં આઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

રીપોર્ટમાં જણાવ્યા મુજબ વિશ્વભરમાં હવાની ખરાબ ગુણવત્તાથી દર વર્ષે 60 લાખથી વધુ મૃત્યુ પામે છે. પ્રદૂષણથી કુલ આર્થિક ખર્ચ $8 ટ્રિલિયન ડોલરથી વધુ છે, જે વૈશ્વિક વાર્ષિક જીડીપીના 6.1 ટકા વધુ છે. વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી અસ્થમા, કેન્સર, ફેફસાની બિમારીઓ, હૃદય રોગનો જેવી બિમારી થાય છે તથા અકાળે મૃત્યુદર થાય છે.રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશના 10 શહેરો અને હરિયાણાના સાત શહેરો સહિત 31 શહેરોમાં પ્રદૂષણના સ્તરમાં ટકાવારીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

LEAVE A REPLY

five × five =