પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સાઉથ ઇસ્ટ લંડનના બેક્સલીહેથના હેમિલ્ટન રોડ પર 18 નવેમ્બર, 2021ના ​​રોજ લાગેલી આગમાં મરણ પામેલા એક જ પરિવારના ચાર લોકોના મરણ આગને કારણે નીકળેલો ઝેરી ધુમાડો શ્વાસમાં જવાથી થયું હતું તેમ સાઉથ લંડન કોરોનર કોર્ટમાં ગુરુવાર, તા. 14 જુલાઈના રોજ જહેર થયેલી તપાસમાં બહાર આવ્યું હતું.

આ આગમાં 60 વર્ષીય નાગરાસાની વસંતરાજા, તેમની 29 વર્ષીય દિકરી નિરુબા યોગન તેમજ નિરૂબાનો પુત્ર 4 વર્ષીય તવિષન યોગન અને 23 મહિનાના દિકરી સાસના યોગનના મોત થયા હતા. શ્રીલંકાનો વતની પરિવાર પોતાના ઘરે તહેવારની ઉજવણી કરતા હતો ત્યારે તેમણે ઘરમાં ભોંયતળિયે તેલના દીવા મૂક્યા હતા. પરિવારના સભ્યો ઉપર પ્રાર્થના કરવા ગયા હતા ત્યારે નીચે કબાટ પાસે મૂકેલા દીવામાંથી આગ લાગી હતી અને તે સમગ્ર હોલવેમાં ફેલાઈ હતી અને દાદર ભસ્મીભૂત થઈ ગયો હતો.

તે સમયે ઘરમાં રહેતો એક પુરુષ ગેરેજની છત પરથી કૂદીને આગમાંથી બચવામાં સફળ રહ્યો હતો. જો કે તેને ઇજા થઇ હતી. તેણે ઘરની અંદર રહેલા લોકોને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે અસમર્થ હતો. પરિવારના અન્ય ચાર સભ્યો સીડી સળગી હોવાથી નીચે ઉતરી શક્યા ન હતા.

શ્રીમતી યોગન તેમના પતિ યોગન થંગાવદિવેલને ફોન કરવામાં સફળ રહ્યા હતા પરંતુ તેઓ ચીસો જ પાડી શક્યા હતા. માર્યા ગયેલા ચારેય લોકો ઘરના પાછળના બેડરૂમમાં એકસાથે મળી આવ્યા હતા. બાળકોના પિતા યોગને કોર્ટમાં નિવેદન આપ્યું હતું.

લંડન ફાયર બ્રિગેડના સબ-ઑફિસર પીટર ગપ્પીએ જણાવ્યું હતું કે સીડીની નીચેના કબાટમાં લાગેલી જ્વાળામાંથી આગ લાગી હતી. સીડીની નીચે લાકડા, કાપડ અને હૂવર પડ્યા હતા. જ્વાળાના કારણે મુખ્ય ઇલેક્ટ્રિક કેબલની રબરનું કવર ઓગળી ગયું હતું જેના કારણે ગેસની પાઇપમાં કાણું પડ્યું હતું અને આગ વકરી હતી. વારંવાર કરવામાં વેલા પેઇન્ટ અને હૉલવેમાં લગાવાયેલા ફ્લૉક્સ્ડ પેપર વાળા મલ્ટિ-લેયર વૉલપેપરના કારણે આગ વધારે પ્રસરી હતી અને તેમાંના રસાયણોએ ઝેરી ધુમાડો ફેલાવ્યો હતો.

કોરોનર એડમન્ડ ગ્રિટે તારણ કાઢ્યું હતું કે પરિવારના ચારેય સભ્યોના મૃત્યુ ઝેરી ધુમાડો શ્વાસમાં લેવામાં આવ્યો હોવાથી થયુ હતું.