US Midterm Elections, 16 Indian Americans elected in states
(istockphoto.com)

અમેરિકામાં ગયા સપ્તાહે યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીમાં સત્તારૂઢ ડેમોક્રેટિક પાર્ટીના પાંચ ઇન્ડિયન અમેરિકન લોમેકર્સ ચૂંટાયા છે. આ સંખ્યા એક રેકોર્ડ છે. રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના, પ્રમિલા જયપાલ અને એમી બેરા હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્ઝમાં ફરી ચૂંટાયા છે. તો મેરિલેન્ડમાં લેફટેનન્ટ ગવર્નર તરીકે પ્રથમવાર એક ઈન્ડિયન અમેરિકન મહિલા, 57 વર્ષના અરૂણા મિલર ચૂંટાયા છે. ઈલિનોઈની રાજ્ય એસેમ્બ્લીમાં 23 વર્ષની ઈન્ડિયન અમેરિકન યુવતી નબિલા સઈદે સૌથી યુવા વયની પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને રેકોર્ડ સર્જયો છે.

અનેક ઇન્ડિયન અમેરિકન્સ રાજ્યોની લેજિસ્લેચરની ચૂંટણીમાં વિજેતા થયા છે. ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેનમાંથી રાજનેતા બનેલા ડેમોક્રેટ શ્રી થાનેદાર મિશિગનમાંથી કોંગ્રેસમાં ચૂંટાયેલા પ્રથમ ભારતીય બન્યા છે. તેમણે રીપબ્લિકન ઉમેદવાર માર્ટેલ બિવિંગ્સને હરાવ્યા હતા.

67 વર્ષના થાનેદાર અત્યારે મિશિગનમાં ત્રીજા ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરે છે. ઇલિનોઇના આઠમા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં 49 વર્ષના રાજા કૃષ્ણમૂર્તિ સતત ચોથીવાર વિજેતા બન્યા છે. તેમણે રીપબ્લિકન ક્રિસ ડાર્ગિસને હરાવ્યા છે. સિલિકોન વેલીમાં 17મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં 46 વર્ષના ઇન્ડિયન અમેરિકન રો ખન્નાએ કેલિફોર્નિયામાં રીપબ્લિકન રિતેશ ટંડનને હરાવ્યા છે. યુએસ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્ઝમાં એકમાત્ર ઇન્ડિયન અમેરિકન 57 વર્ષના પ્રમિલા જયપાલે રીપબ્લિકન ક્લિફ મૂનને વોશિંગ્ટનમાં સાતમા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં હરાવ્યા હતા. કોંગ્રેસમાં લાંબા સમય સુધી રહેલા 57 વર્ષના એમી બેરાએ કેલિફોર્નિયામાં સાતમા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં રીપબ્લિકનની ટામિકા હેમિલ્ટનને હરાવ્યા હતા.

રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના, પ્રમિલા જયપાલ અને એમી બેરા ગત ટર્મમાં હાઉસના સભ્ય હતા. ઘણી સ્ટેટ લેજિસ્લેચર્સમાં પણ અનેક ઇન્ડિયન અમેરિકન્સ વિજેતા થયા છે. મેરિલેન્ડમાં 58 વર્ષીય અરુણા મિલર વિજેતા થયા છે અને લેફ્ટેનન્ટ ગવર્નર પદે આરુઢ થનારા તેઓ પ્રથમ ઇન્ડિયન અમેરિકન રાજનેતા છે. જો કે, ઇન્ડિયન અમેરિકન સંદીપ શ્રીવાસ્તવની ટેક્સાસના ત્રીજા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં કીથ સેલ્ફ સામે હાર થઇ છે. અમેરિકામાં ઇન્ડિયન અમેરિકન ઉમેદવારોની જીત આ નાના વંશીય સમુદાયની વધતી મહત્વાકાંક્ષાઓ દર્શાવે છે, જે અમેરિકાની અંદાજે 33.19 કરોડ વસતીની ફક્ટ એક ટકા જ છે. મધ્યસત્ર ચૂંટણી અગાઉ ડેમોક્રેટિક અને રીપબ્લિકન બંનેએ ઇન્ડિયન અમેરિકન્સને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.

વોશિંગ્ટન પોસ્ટના એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, આ ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન મતદારો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ ચૂંટણીઓ આઠ નવેમ્બરે યોજાઇ હતી.

LEAVE A REPLY

15 + 12 =