આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ (Photo BY NARINDER NANU/AFP via Getty Images)

ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખ સિવાય પક્ષનું સમગ્ર સંગઠનનું માળખું વિખેરી નાખ્યું છે. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવું વિશાળ સંગઠન ટૂંક સમયમાં જાહેર કરાશે તેવો દાવો કરાયો છે.

આપના પ્રદેશ પ્રમુખ ઇટાલિયાએ પક્ષનું તમામ પ્રદેશ માળખુ, મોરચાઓ, મીડિયા ટીમ, સોશિયલ મીડિયા ટીમ અને લીગલ ટીમ સહિત તમામ માળખાનો ભંગ કરી દેવાયો હોવાની જાહેરાત કરી હતી. પક્ષ દ્વારા ધરણા-પ્રદર્શન વિગેરે દ્વારા પક્ષે અનેક કાર્યક્રમ યોજીને ભારે જનસમર્થન મેળવ્યું હોવાનો દાવો કર્યો હતો અને ભાજપ માટે પડકાર ઉભો કર્યો હતો. કોંગ્રેસ રાજકીય રીતે નબળી પડી ગઇ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અમદાવાદ, મહેસાણામાં ત્રિરંગા યાત્રા અને રાજકોટમાં જાહેર સભાના પણ કાર્યક્રમ કર્યા હતા. પક્ષમાં નવા લોકો જોડાતા તેમને ક્ષમતા મુજબ સ્થાન આપવું જરૂરી હોવાથી સંગઠનમાં નવા ફેરફારની જરૂરિયાત ઊભી થતા હાલના સંગઠનનો ભંગ કરી દેવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આપના સંગઠનમાં લાંબા સમય સુધી કેટલાક અગ્રણીઓ હોવા છતાં આપને તેટલું રાજકીય મહત્વ મળી શક્યું નહીં હોવાના કારણે આપના હાઇ કમાન્ડ દ્વારા સંગઠન માળખુ વિખેરી નાખવાનો નિર્ણય લેવાની ફરજ પડી હોવાનું માનવામાં આવે છે.