Come… celebrate the contribution of Ugandan Asians: Kalpesh Solanki

એશિયન મિડીયા ગૃપના ગૃપ મેનેજીંગ એડિટર શ્રી કલ્પેશ સોલંકીએ ઉપસ્થિત મહેમાનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ‘’આજે સાંજે, અમે ઉદ્યોગ, રાજકારણ, શિક્ષણ, બિઝનેસીસ અને ખાસ કરીને અસંખ્ય અગ્રણી જજીસનું ઉષ્માભર્યું સ્વાગત કરતા ગર્વ અનુભવીએ છીએ. આપણા બિઝનેસીસ સંશોધન અને નવીનતામાં રોકાણ કરે છે, જોખમ ઉઠાવે છે અને રોજગારીનું સર્જન કરે છે. તેઓ દરેક અર્થતંત્ર માટે વૃદ્ધિનું મહત્વપૂર્ણ એન્જિન છે. છેલ્લા 24 વર્ષથી એશિયન બિઝનેસ એવોર્ડ દ્વારા અમે એશિયન બિઝનેસ સમુદાયના અગ્રણીઓની શ્રેષ્ઠતાને ઓળખી તેની ઉજવણી કરી પ્રોત્સાહિત કરીએ છીએ. થોડા મહિનાઓ પહેલા, આઠમી સપ્ટેમ્બરના રોજ, બ્રિટન અને વિશ્વએ આપણા યુગની એક મહાન વ્યક્તિ, મહારાણીને ગુમાવ્યા હતા. તે જ દિવસે અમે લ્યુકેમિયા સાથેની હિંમતભરી લડાઈ લડનાર અમારી માતાને પણ ગુમાવ્યા હતા. તેઓ પણ એક નોંધપાત્ર મહિલા હતા, જેમણે પ્રેમ અને દયા સાથે હજારો  લોકોના જીવનમાં પ્રભાવ પાડ્યો હતો. તેઓ અમારા રાણી અને માતૃત્વ શક્તિ હતા. એક શાંત, નમ્ર મહિલા હતા જેમણે મારા પિતા રમણિકલાલ સોલંકી સાથે બ્રિટનના સૌથી મોટા એશિયન ટાઇટલમાંના એક એશિયન મિડીયા ગૃપની સ્થાપના કરી હતી. તેઓ દરેક દિવસની દરેક ક્ષણ સાથે વિતાવતા, સાથે ઓફિસે જતા, કામ કરતા, ઘરે આવતા અને પરિવારને એકસાથે ઉછેરતા. મારો ભાઈ શૈલેષ અને હું ત્રીજી પેઢી સાથે આ ગૃપ સંભાળીએ છીએ. મારી માતાને એશિયન સમુદાયો માટે એક શક્તિશાળી અવાજ તરીકે અખબારની ભૂમિકાની જન્મજાત સમજ હતી. તમારી મદદ અને સમર્થન સાથે, અમે તેમનો નોંધપાત્ર વારસો ચાલુ રાખવા અને તેના પર નિર્માણ કરવાનો પ્રયત્ન કરીશું.’’

શ્રી સોલંકીએ જણાવ્યું હતું કે ‘’કિંગ ચાર્લ્સ ત્રીજા માટે, રાણીએ એક મહાન અને ઉમદા વારસો છોડ્યો છે. રાણીના શાસનના વર્ષોમાં, બ્રિટન એક દયાળુ, સૌમ્ય અને મુક્ત સમાજ બની ગયું છે. આપણે વધુ સહિષ્ણુ અને આવકારદાયક સમાજ છીએ, અને મારા માતા-પિતાની પેઢીનો ખુલ્લો જાતિવાદ મોટાભાગે અદૃશ્ય થઈ ગયો છે અને હવે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આપણી પાસે બ્રિટિશ એશિયન વડા પ્રધાન છે. પણ વધુ સમાન મુક્ત સમાજ બનાવવા માટે હજી ઘણું કરવાનું બાકી છે. ભેદભાવ અને પૂર્વગ્રહ દૂર કરવાના છે. યુગાન્ડન એશિયન્સને હાંકી કઢાયા તે એક દર્દભરી પળ હતી. તેમની જન્મભૂમિમાં તેમની મિલકતો અને ગૌરવને નિર્દયતાથી છીનવી લેવાયા હતા. 70,000 થી વધુ સાઉથ એશિયનોને મોટાભાગની સરકારોએ લેવાનો ઇનકાર કર્યો હતો. જેમની પાસે બ્રિટિશ પાસપોર્ટ હતા તેઓ બ્રિટન આવવા હકદાર હતા. પણ ઇનોક પોવેલની વિખ્યાત રિવર ઓફ બ્લડ સ્પીચ અને ગોદી કામદારો અને કેટલાક નાગરિકોના વિરોધ છતાય તે વખતના વડા પ્રધાન એડવર્ડ હીથે 30,000 શરણાર્થીઓની સંભાળ અને સ્વીકાર કરવાની નૈતિક અને માનવતાવાદી જવાબદારી સ્વીકારી હતી. તો કેનેડાએ શ્રી આગા ખાનની વિનંતીથી હજારો ઇસ્માઈલી પરિવારોને શરણ આપ્યું હતું. જેમના મહાન યોગદાનથી આજે કેનેડા અને યુકે સમૃદ્ધ બન્યાં છે.’’

શ્રી સોલંકીએ જણાવ્યું હતું કે ‘’આ વર્ષે, યુગાન્ડાના એશિયનોને હાંકી કાઢવાના 50 વર્ષ પૂરા થઇ રહ્યાં છે ત્યારે યુકેમાં યુગાન્ડન એશિયનોના યોગદાનની ઉજવણી કરવા, બ્રિટનમાં આપણા જીવનના દરેક પાસામાં આપેલા મહાન યોગદાન બદલ તેમને આજે પર્લ્સ ઓફ યુગાન્ડા પુરસ્કારો આપીશું. સંશોધન, બિઝનેસ, તબીબી વિકાસ, રાજકારણ અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રે યોગદાન આપીને તેમણે યુકેના અર્થતંત્રમાં અપ્રમાણસર સફળ ભૂમિકા ભજવી છે. તે વખતે યુગાન્ડાના એશિયનોને સ્થાયી અને એકીકૃત કરવામાં મદદ કરવા માટે મારા પિતા શરણાર્થી શિબિરોમાં જઇને ખાતરી કરતા કે તેમને કોઇ તકલીફ તો નથીને. આજે અમે 50 મહાન પ્રતિષ્ઠિત યુગાન્ડનની યાદીનું સંકલન કરીએ છીએ, જેને અમે નવા વર્ષની શરૂઆતમાં લોન્ચ કરીશું. આજે અમે આજે એશિયન રિચ લિસ્ટ પણ લોન્ચ કરીશું, જે એશિયન બિઝનેસ કોમ્યુનિટીની સફળતા અને યોગદાનનો ચોક્કસ રેકોર્ડ બની ગયું છે. હું અમારા તમામ પ્રાયોજકોનો તેમની અમૂલ્ય મદદ અને સમર્થન તથા અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો આભાર માનું છું અને નોમિનેટેડ અને વિજેતાઓને અભિનંદન આપવા માંગુ છું.’’

LEAVE A REPLY

12 + four =