(ANI Photo)

અભિષેક બચ્ચનની નવી ફિલ્મ ‘બોબ બિશ્વાસ’ને રીલીઝ કરવાની તારીખ છેવટે નક્કી કરવામાં આવી છે. દિયા અન્નપૂર્ણા ઘોષના સૌપ્રથમ ડાયરેક્શન અને ગૌરી ખાન તેમ જ અન્ય નિર્માતાઓના દ્વારા નિર્મિત આ ફિલ્મ 3ડિસેમ્બરે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રીલિઝ  થશે એવી જાહેરાત કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે આ ફિલ્મ વર્ષ 2012માં આવેલી સુજોય ઘોષની ‘કહાની’ના આઇકોનિક પાત્રની તે નામ સાથે જ સંકળાયેલી છે. પ્રેમ કહાની ધરાવતી આ ક્રાઇમ થ્રિલરમાં કોન્ટ્રાક્ટ કિલરનું બેવડું જીવન દર્શાવવામાં આવ્યું છે. તેનું શૂટિંગ કોલકત્તામાં કરવામાં આવ્યું હતું અને તેમાં ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં છે. દિયા અન્નપૂર્ણા ઘોષે કહ્યું હતું કે આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો અનુભવ બહુ સરસ રહ્યો. આમ છતાં હું એટલું ચોક્કસ કહીશ કે અમે વર્ષ 2020માં કોરોનાના ડર વચ્ચે આ ફિલ્મ બનાવી હતી. પરંતુ અભિષેક બચ્ચન, ચિત્રાગંદા અને અન્ય કલાકારો સહકાર મહત્ત્વનો હતો.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના નવેમ્બર મહિનામાં અભિષેક બચ્ચન કોલકત્તામાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેના ફોટા ઓનલાઇન લીક થઇને વાઇરલ થયાં હતાં. તેમાં તે ચેક્સવાળા શર્ટ, ગ્રે પેન્ટ અને ચશ્મામાં જોવા મળ્યો હતો.