Abortion Law

અમેરિકાની સુપ્રિમ કોર્ટે ગર્ભપાત કરાવવાના મહિલાના અધિકારનો અંત ફરમાવતો ચૂકાદો આપ્યો તેના વિરોધમાં વ્યાપક દેખાવો દેશભરમાં થયા હતા. કેટલાક સ્થળે ટીયર ગેસ છોડાયા હતા. પ્રતિબંધ મામલે ઘણા રાજ્યો વિભાજીત હોવાની સ્થિતિમાં છે. રૂઢિચુસ્ત રાજ્યો પ્રતિબંધ લાદવાની પ્રક્રિયા સાથે ઝડપભેર આગળ વધ્યા હતા તો 1973ના સુપ્રિમના ચુકાદાથી સાંપડેલા ગર્ભપાતનો અધિકાર અમલમાં છે તેવા રાજ્યો હજુ પણ વિરોધના મૂડમાં છે. આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકાના સાથી રાષ્ટ્રોએ પણ આ મુદ્દે નારાજગી દર્શાવી છે.

સુપ્રિમ કોર્ટની બહાર ‘મહિલાઓ સામે યુદ્ધ, હવે કોણ?’ ‘ગર્ભાશય નહીં તો અભિપ્રાય નહીં’ સહિતના સૂત્રોવાળા પ્લેકાર્ડ સાથે સેંકડો દેખાવકારોએ દેખાવો કર્યા હતા. લોસ એન્જેલસમાં સિટી હોલ તથા ફેડરલ કોર્ટની બહાર દેખાવો યોજાયા હતા તથા સાગરકાંઠાઓ ઉપર રેલીઓ યોજવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે 50 વર્ષ જૂનું બંધારણીય રક્ષણ રદ કરતા જમણેરી વિચારધારા ધરાવતા (રીપબ્લિકન પાર્ટી સત્તામાં હોય તેવા) આઠ રાજ્યોએ ગર્ભપાત ઉપર ત્વરિત પ્રતિબંધ લાદ્યો હતો અને બીજા આઠ રાજ્યોમાં આગામી સપ્તાહોમાં આવો જ પ્રતિબંધ લદાવાની તૈયારી છે.
પ્રમુખ બાઇડેને સુપ્રીમના આઘાતજનક નિર્ણય સામે ચિંતાનો સૂર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કોર્ટના ચૂકાદાથી કદાચ ગર્ભપાત અટકશે નહીં.

સુપ્રીમ કોર્ટનો હવે પછીનો ટાર્ગેટ સજાતીય લગ્નો અને ગર્ભનિરોધકો શકે એવી ભીતિ વ્યક્ત ઘણા લોકો દલાલ કરી હતી. ટ્રમ્પે સુપ્રીમ કોર્ટમાં રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવતા જજોની બહુમતિ સ્થાપી હતી. બાઇડેનના મહિલા પ્રવક્તા કેરીને જીન પીયરેએ એરફોર્સ વનમાં પત્રકારોને જણાવ્યું હતું કે આપણે હજુ વધુ બિહામણા દૃશ્યો જોવા પડે તેવી શક્યતા છે.
દરમિયાન, સમસ્ત અમેરિકાના ડેમોક્રેટ નેતાઓએ ગર્ભપાત ઉપર પ્રતિબંધ મુકાયા હોય તેવા રાજ્યોમાં તબીબી વ્યવસાયિકો, જે તે દર્દી તથા જેને ગર્ભપાત કરાવવા અન્યત્ર જવાની જરૂર પડે તેવી મહિલાઓને સહાય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કેલિફોર્નિયા, વોશિંગ્ટન, ઓરેગોન, નોર્થ કેરોલાઈનાના ગવર્નરોએ આ દિશામાં સહાય માટે સાથે કામ કરવાનું જાહેર કર્યું હતું. નોર્થ કેરોલાઈનાના ગવર્નર રોય કુપરે તો ત્યાં સુધી જણાવ્યું હતું કે આવા આકરા બિલો સામે ડેમોક્રેટીક ગવર્નરો બચાવની અંતિમ કડી બની રહેશે.

ગર્ભપાત પ્રતિબંધના વિરોધમાં અમેરિકામાં સર્વત્ર થયેલા વ્યાપક દેખાવો દરમિયાન ફોનિક્સ એરિઝોનામાં દેખાવકારો ઉપર અશ્રુવાયુ છોડાયો હતો જ્યારે આઇઓવા શહેરમાં એક પીકઅપ ટ્રક દેખાવકારો તરફ ધસી જતા એક મહિલાનો પગ કચડાયો હતો. વોશિંગ્ટનમાં સૂત્રોચ્ચારોને બાદ કરતાં દેખાવો શાંતિપૂર્ણ રહ્યા હતા. 57 વર્ષના કેરોલિન કેલરે સુપ્રિમના નિર્ણય સામે નારાજગી દર્શાવી ત્યારે સવાના કેરેવાન અને કેટલાક દેખાવકારોએ સુપ્રિમના ચુકાદાને ધાર્મિક જમણેરી વિચારધારાવાળાઓનો વિજય તથા સમગ્ર દેશમાં ગર્ભપાત પ્રતિબંધના લક્ષ્યાંકની વાત કરી હતી.

સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ તુરંત જ મિસૌરીએ ગર્ભપાત પ્રતિબંધ લાદ્યો તે પછી અલબામા, અરકાન્સાસ, કેન્ટુકી, લુઇસિયાના, ઓક્લાહોમા, ઉટાહ અને સાઉથ ડાકોટામાં પ્રતિબંધ લદાયો હતો કેટલાક ડેમોક્રેટીક રાજ્યોએ ગર્ભપાતના ચૂકાદાથી મહિલા પીડિતોના સંભવિત ધસારાની અપેક્ષાએ ગર્ભપાતની પ્રક્રિયા સરળ બનાવવાના પગલાં ભર્યા હતા.