મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતના બિલિયોનેર બિઝનેસમેન ગોતમ અદાણીના વડપણ હેઠળની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ(MIAL)નો મેનેજમેન્ટ અંકુશ પોતાના હાથમાં લીધો છે. આ ડીલ સાથે અદાણી ગ્રૂપ ભારતનું સૌથી મોટું એરપોર્ટ ઓપરેટર બન્યું છે.

ગૌતમ અદાણીએ મંગળવારે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી હતી. અદાણી ગ્રૂપ હાલમાં અમદાવાદ, લખનૌ અને મેંગલુરુ એરપોર્ટનું સંચાલન કરે છે. તે ટૂંક સમયમાં ગૌહાટી, તિરુવનંતપુરમ અને જયપુર એરપોર્ટનો પણ અંકુશ મેળવશે. દેશમાં એરપોર્ટ ફૂટફોલમાં અદાણી એરપોર્ટનો હિસ્સો 25 ટકા અને એર કાર્ગોમાં 33 ટકા છે. મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનો આશરે 74 ટકા હિસ્સો તેની પાસે છે.

ગૌતમ અદાણીએ ટ્વિટ કર્યું હતું કે, ‘વર્લ્ડ ક્લાસ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના મેનેજમેન્ટને ટેકઓવર કરી અમને ઘણી ખુશી થઈ રહી છે. મુંબઈને ગૌરવશાળી અનુભવ કરાવવાનું અમારું વચન છે અને અમે તેને પુરું કરવામાં સફળ રહીશું.’

દેશના અગ્રણી એરપોર્ટસનું મેનેજમેન્ટ પ્રાઈવેટ હાથોમાં આપવા માટે કેન્દ્રની મોદી સરકારે વર્ષ 2019માં ટેન્ડર મંગાવ્યા હતા. તેમાં અમદાવાદ, લખનૌ, જયપુર, મેંગલુરુ જેવા એરપોર્ટ સામેલ છે. ગુવાહાટી અને તિરુવનંતપુરમ જેવા એરપોર્ટની બોલી પણ અદાણી ગ્રુપે જીતી લીધી હતી. આ બધા એરપોર્ટના મેનેજમેન્ટની જવાબદારી અદાણી ગ્રુપને જ મળી હતી. અદાણી પાસે આ એરપોર્ટના મેનેજમેન્ટનો 50 વર્ષનો કોન્ટ્રાક્ટ છે.

એશિયાના બીજા નંબરના ધનવાન ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ પોતાના એરપોર્ટ બિઝનેસને અલગ કરવાની તૈયારીમાં છે. સૂત્રો મુજબ, તેના માટે પ્રાથમિક વાતચીત ચાલી રહી છે. તે અંતર્ગત એરપોર્ટ બિઝનેસને ગ્રુપની હોલ્ડિંગ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડથી અલગ કરાશે. તેને યૂનિટની લિસ્ટિંગની દિશામાં પહેલું પગલું માનવામાં આવી રહ્યું છે.