સુરતમાં 14 એપ્રિલે જહાગીરપુરા સ્મશાનગૃહમાં અંતિમસંસ્કાર માટે મૃતદેહો લઈ જવા માટે એમ્બ્યુલસન્સની લાઇન લાગી હતી. (PTI Photo)

ગુજરાતમાં કોરોનાના કેસમાં જંગી વધારાને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલો ફુલ થઈ ગઈ હોવાથી સરકારે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેના યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં ૯૦૦ બેડની હંગામી હોસ્પિટલ ઉભી કરવાની તૈયારીઓ કરી હતી. આ હોસ્પિટલ માત્ર બે સપ્તાહમાં જ તૈયાર કરી દેવામા આવશે.

હોસ્પિટલોમાં બેડ ખુટી પડતાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં કોર કમિટિની બેઠક મળી હતી. જેમાં હોસ્પિટલોની હાલની સ્થિતિની સમીક્ષા બાદ આગામી બે અઠવાડીયામાં અમદાવાદ ખાતે ૯૦૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલ ઉભી કરવાનો નિર્ણય કરાયો હતો. ભારત સરકારના ગૃહમંત્રાલયના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના સહયોગથી અમદાવાદમાં ૯૦૦ બેડની સંપૂર્ણ સુવિધા સાથેની કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરવામા આવશે.

આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ રે મશીનની પણ સુવિધા હશે. આ હોસ્પિટલની સંચાલનની જવાબદારી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંશુ શર્માને સોંપાઈ હતી. આ હોસ્પિટલમાં ઈન્સેન્ટિવ અને ક્રિટિકલ કેરની સુવિધા પણ હશે.