(istockphoto.com)

ટાટા ગ્રૂપની માલિકીની એરઇન્ડિયાએ ભરતી ચાલુ કરતાં દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો માટે મુશ્કેલીમાં વધારો થયો છે અને તેના કર્મચારીઓને એર ઇન્ડિયામાં ખેંચી જાય શક્યતા ઊભી થઈ છે. ઇન્ડિગોના સંખ્યાબંધ વિમાની કર્મચારીઓ સાગમટે માંદગીની રજા પર ઉતરી જતાં શનિવારે (3 જુલાઈ) એરલાઇનની 55 ટકા ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો. એરલાઇન ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કર્મચારીઓ એર ઇન્ડિયાની ભરતી ઝુંબેશમાં સામેલ થયા ગયા હતા.

આ મુદ્દે ડીજીસીએના વડા અરુણ કુમારે રવિવારે જણાવ્યું હતું કે આ આ અંગે તપાસ કરી રહ્યાં છીએ. સૂત્રોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાએ બીજા તબક્કામાં શનિવારે ભરતીની પ્રક્રિયા ચાલુ કરી હતી અને માંદગીની રજા લેનારા ઇન્ડિગોના મોટાભાગના કેબિન ક્રુ એર ઇન્ડિયાની ભરતી માટે ગયા હતા. ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો હાલમાં દૈનિક 1,600 ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ કરે છે. આ મુદ્દે ઇન્ડિગોએ કોઇ ટીપ્પણી કરી ન હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર ઇન્ડિગોની 45.2 ટકા ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શનિવારે સમયસર ઓપરેટ થઈ હતી. આની સામે એર ઇન્ડિયા, સ્પાઇસજેટ, વિસ્તારા, ગો ફર્સ્ટ અને એરએશિયા ઇન્ડિયાની અનુક્રમે 77.1 ટકા, 80.4 ટકા, 86.3 ટકા, 88 ટકા અને 92.3 ટકા ફ્લાઇટ્સ સમયસર ઉપડી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે ટાટા ગ્રૂપે 27 જાન્યુઆરી 2022ના રોજ એર ઇન્ડિયાની સરકાર પાસેથી ખરીદી કરી હતી. એર ઇન્ડિયાએ નવા વિમાનો ખરીદવાની અને તેની સર્વિસમાં સુધારો કરવાની યોજના બનાવી રહી છે. તેનાથી તેને કેબિન ક્રૂની ભરતી ચાલુ કરી છે.

ઇન્ડિગોના સીઇઓ રોનજોય દત્તાએ 8 એપ્રિલે કર્મચારીઓને ઇ-મેઇલ કરીને જણાવ્યું હતું કે વેતનમાં વધારો કરવાનું મુશ્કેલ અને જટિલ મુદ્દો છે, પરંતુ એરલાઇન તેની નફાકારકતા અને સ્પર્ધાત્મક વાતાવરણને આધારે સમીક્ષા કરશે એન વેતનમાં એડજસ્ટમેન્ટ કરશે. ઇન્ડિગોએ 4 એપ્રિલે કેટલાંક પાઇલટને સસ્પેન્ડ હતા, કારણ કે તેઓ કોરોના મહામારી દરમિયાન થયેલા વેતન કાપનો વિરોધ કરવા દેખાવો કરવાના હતા. કોરોના મહામારી દરમિયાન ઇન્ડિગોએ પાઇલટની વેતનમાં 30 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. ચાલુ વર્ષની પહેલી એપ્રિલે એરલાઇને પાઇલટના વેતનમાં 8 ટકાનો વધારો કરવાના નિર્ણયની જાહેરાત કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે નવેમ્બરમાં વધુ 6.5 ટકાના વેતન વધારો આપવામાં આવશે. જોકે કેટલાંક પાઇલટને સંતોષ થયો ન હતો અને હડકાલ પાડવાનું નક્કી કર્યું હતું.