પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ટાટા ગ્રૂપ 68 વર્ષ બાદ ફરી એર ઇન્ડિયાનું માલિક બન્યું છે.ભારત સરકારે શુક્રવારે જણાવ્યું છે કે સરકારની દેવાગ્રસ્ત એરલાઇન એર ઇન્ડિયા માટે રૂ.18,000 કરોડની બોલી લગાવી ટાટા ગ્રુપે આ કંપની ખરીદી લીધી છે.
એર ઇન્ડિયા અને તેના લો કોસ્ટ એકમ એર ઇન્ડિયા એક્સપ્રેસના 100 ટકા ઇક્વિટી હિસ્સા ઉપરાંત ટાટા સન્સને ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની એર ઇન્ડિયા SATS એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડનો 50 ટકા હિસ્સો મળશે.

નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડીઆઈપીએએમ) સચિવ તુહિન કાંત પાંડેએ જણાવ્યું હતું કે, જુલાઈ 2017થી એર ઈન્ડિયાના વેચાણની પ્રક્રિયા શરૂ થઈ હતી અને સરકારને ડિસેમ્બર 2020 સુધીમાં સાત બિડર્સ મળ્યા હતા. તેમાંથી એર ઈન્ડિયા દ્વારા બેની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ટાટા ગ્રુપની બોલી સૌથી વધુ હોવાથી એર ઈન્ડિયા ટાટા ગ્રુપના હસ્તક કરવામાં આવી છે.ટાટા ગ્રુપે 18,000 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. જ્યારે સ્પાઈસ જેટના ફાઉન્ડર અજય સિંગની આગેવાનીવાળા કોન્સોર્ટિયમે 15,000 કરોડ રૂપિયાની બોલી લાગવી હતી.

સચિવે જણાવ્યું હતું કે 31 ઓગસ્ટ 2021ના રોજ ઇન્ડિયાનું કુલ દેવું રૂા.61,562 કરોડ હતું, જેમાથી રૂા.15,300 કરોડનું દેવું બિડરના માથે રહેશે. બાકીના રૂ.46,262 કરોડના દેવાને એર ઇન્ડિયા એસેટ્સ હોલ્ડિંગમાં ટ્રાન્સફર કરશે.
કેન્દ્ર સરકારે એપ્રિલ 2021માં સંભવિત બિડર્સને બોલી લગાવવાનું કહ્યું હતું. 2007માં એર ઈન્ડિયાનું ડોમેસ્ટિક ઓપરેટર ઈન્ડિયન એરલાઈન્સ સાથે મર્જર થયું હતું ત્યારથી તે ખોટમાં ચાલી રહી હતી. જાન્યુઆરી 2020થી તેના વેચાણની પ્રક્રિયા શરૂ થઈ હતી પરંતુ કોરોનાના કારણે તેમાં વિલંબ થયો હતો. એરલાઈન પાસે હાલમાં ડોમેસ્ટિક એરપોર્ટ્સ પર 4,400 ડોમેસ્ટિક અને 1,800 ઈન્ટરનેશનલ લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ છે જ્યારે વિદેશી એરપોર્ટ્સ પર 900 સ્લોટ છે.

ટાટા ગ્રુપના જે.આર.ડી. ટાટાએ 1932માં એર ઈન્ડિયાની સ્થાપના કરી હતી. તે સમયે તેનું નામ ટાટા એર સર્વિસ હતું. 1938 સુધીમાં કંપનીએ એની ઘરેલુ ઉડાનો શરૂ કરી દીધી હતી. 1953માં આ કંપનીનું રાષ્ટ્રીયકરણ કરીને સરકારે તેનો કબજો લીધો હતો. જેઆરડી ટાટા 1977 સુધી તેના ચેરમેન હતા.