અમેરિકાએ જાહેરાત કરી છે તે અમેરિકાના એરપોર્ટ પર એર ઇન્ડિયાને પોતાની રીતે ગ્રાન્ડ હેન્ડિંગની છૂટ આપવાની યોજના ધરાવે છે.

અમેરિકામાં પોતાની રીતે ગ્રાઉન્ડ હેન્ડલિંગનો એર ઇન્ડિયાનો હક સસ્પેન્ડ કરતો જુલાઈ 2019નો આદેશ અમેરિકાના પરિવહન વિભાગે રદ કરતો નવો આદેશ જારી કર્યો છે.

ટ્રાન્સપોર્ટેશન ફોર એવિએશન એન્ડ ઇન્ટરનેશનલ અફેર્સના આસિસ્ટન્ટ સેક્રેટરીએ જારી કરેલા આદેશમાં જણાવાયું છે કે અમેરિકાની સરકારી એજન્સીઓ અને પરિવહન વિભાગે આ મુદ્દાના સંતોષજનક ઉકેલ માટે ભારત સરકાર સાથે વિચારવિમર્શ ચાલુ રાખ્યો હતો. આ સંદર્ભમાં તાજેતરના હકારાત્મક ઘટનાક્રમને પગલે પરમીટની શરતોને જાહેર હિતમાં નાબૂદ કરવાનો હંગામી નિર્ણય કરવામાં આવ્યો છે. તેથી અમે આ શરત દૂર કરી એર ઇન્ડિયાની પરમિટમાં સુધારો કરવાનો કામચલાઉ નિર્ણય કર્યો છે. આ દરખાસ્ત અંગે સંબંધિત પક્ષકારો અને જાહેર જનતા 21 દિવસમાં પ્રતિક્રિયા આપી શકશે.

અમેરિકામાં ભારતના રાજદૂત તરણજિત સિંઘ સંધુએ અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી સાથે વિચારવિમર્શ કર્યાના એક દિવસ બાદ આ આદેશ જારી કરવામાં આવ્યો છે. રાજદૂતે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાએ આવા મુશ્કેલ સમયમાં એવિએશન ક્ષેત્રમાં ભાગીદારી કરી છે.