ભારતની સરકારી માલિકીની એરલાઈન એર ઈન્ડિયાની કોરોના વાઈરસના રોગચાળા દરમિયાન અનેક દેશોમાં ફસાયેલા ભારતીયોને દેશમાં પાછા લાવવા માટે સંખ્યાબંધ રેસ્કયુ ફલાઈટ્સના સંચાલન બદલ પ્રશંસા કરવામાં આવી છે ત્યારે એર ઈન્ડિયાના પાઈલટ્સના એક ગ્રુપે એવો આક્ષેપ કર્યો છે કે, વાઈરસના ચેપ સામેના રક્ષણ માટે તેમને આપવામાં આવેલા સુરક્ષા સાધનો હલકી ગુણવત્તાના હતા અને એ રીતે તેમની સલામતી જોખમમાં મુકાઈ હતી. આ આક્ષેપ એરલાઈને જો કે નકારી કાઢ્યો છે.

એર ઈન્ડિયાના વિમાનોના કાફલાનો ભારત સરકાર અવારનવાર, લાંબા સમયથી મુશ્કેલીમાં મુકાયેલા ભારતીયોના બચાવ, રાહત કાર્યો માટે કરતી રહી છે. આ સંજોગોમાં, હાલના કોરાના વાઈરસના રોગચાળા સમયે એર ઈન્ડિયાની ફલાઈટ્સના ક્રુ મેમ્બર્સે એવા અનેક આક્ષેપો કર્યા છે કે, કોરોનાગ્રસ્ત દેશોમાંથી ભારતીયોને લાવવા માટેની ખાસ રેસ્ક્યુ ફલાઈટ્સમાં ક્રુ તથા પેસેન્જર્સ માટેના સુરક્ષા સાધનો હલકી ગુણવત્તાના હોવાના કારણે તમામની સલામતી જોખમમાં મુકાઈ હતી.

એક્ઝીક્યુટીવ પાઈલટ્સ એસોસિએશને લખેલો આવો એક પત્ર બીબીસીએ જોયો છે અને તેમાં લાંબા અંતરની ફલાઈટ્સ ચલાવતા સિનિયર પાઈલટ્સનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાએ એવી ફરિયાદ કરી હતી કે, તેમને જે પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વીપમેન્ટ (પીપીઈ) આપવામાં આવી હતી, તે ફક્ત દેખાવની હતી, ફલાઈટ દરમિયાન તે ઉપયોગમાં લેવાતી ત્યારે ફાટી જતી કે, સહેલાઈથી છુટી પડી જતી. એરલાઈન તથા ભારત સરકારની એવીએશન મિનિસ્ટ્રીને મોકલવામાં આવેલા આ પત્રમાં એવું જણાવાયું હતું કે, આવી ફલાઈટ્સમાં વિમાનને ચેપરહિત બનાવવા માટેની ડિસિન્ફેક્શન પ્રોસેસ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ ધોરણોને અનુરૂપની નહોતી. ધી ઈન્ડિયન પાઈલટ્સ ગીલ્ડ નામની પાઈલટ્સનું પ્રતિનિધિત્વ કરતી એક બીજી સંસ્થાએ પણ મિનિસ્ટ્રીને એક પત્ર લખી આવી જ બાબતો અંગે ચિંતા દર્શાવી હતી.

પોતાની ઓળખ જાહેર નહીં કરવા ઈચ્છતા એક સિનિયર પાઈલટે બીબીસી સાથે વાતચિતમાં કહ્યું હતું કે, તેઓ આ કપરા કાળમાં દેશ માટે કામ કરવા તો તૈયાર છે જ, તેમની માંગણી તો ફક્ત એટલી જ છે કે, સુરક્ષા માટેની યોગ્ય પ્રક્રિયાનો અમલ થવો જોઈએ. ફલાઈટના ક્રુ પાસે સારી ગુણવત્તાના સુરક્ષા સાધનો નહીં હોય તો એનાથી ફલાઈટમાં આવતા – જતા સૌ કોઈની રોગચાળા સામેની સલામતી માટે જોખમ ઉભું થશે, જેમાં ક્રુ, તેમના પરિવારજનો, મુસાફરો અને તેના કારણે વ્યાપક સમુદાયનો પણ સમાવેશ થાય છે.

અમારી તુલના સૈનિકો સાથે થાય છે તે અમારા માટે સન્માનની, ગૌરવની વાત છે, પણ સૈનિકોને યોગ્ય સાધનો તો આપવા જોઈએ ને. કેટલાક કિસ્સામાં તો વિદેશથી પાછા ફરેલા ક્રુ મેમ્બર્સ માટે 14 દિવસના ક્વોરેન્ટાઈનના નિયમોનું પણ યોગ્ય રીતે પાલન કરાયું નહોતું. બીબીસીના કહેવા મુજબ તેમને પણ ઓછામાં ઓછા એક એવા કિસ્સાની તો જાણ છે કે, કોરોનાગ્રસ્ત દેશમાં પાછા ફરેલા એક પાઈલટને ફક્ત સાત દિવસમાં ફરી ફલાઈટની ફરજ સોંપાઈ હતી.