ક્રૂડના વૈશ્વિક ભાવ ઘણા સમયથી 120 ડોલરની આસપાસ ચાલી રહ્યા છે ત્યારે વિમાનના ઇંધણના ભાવમાં ગુરુવારે 16 ટકાનો વધારો નોંધાયો છે. દિલ્હીમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)નો ભાવ પ્રતિ કિલોલિટર 19,757.12 અથવા 16.26 ટકાની વૃદ્ધિ સાથે 1,41,232.87ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.
એટીએફના ઊંચા ભાવને પગલે વિમાની પ્રવાસ પણ મોંઘો થવાની સંભાવના છે. એરલાઇનના સંચાલન ખર્ચમાં લગભગ 40 ટકા હિસ્સો ઇંધણનો છે. એટલે એટીએફના ભાવમાં વૃદ્ધિથી ઉડ્ડયન ખર્ચ અને હવાઇ ભાડાંમાં પણ વધારો થવાનું લગભગ નિશ્ચિત છે. સ્પાઇસજેટના મેનેજિંગ ડાયરેક્ટર અજય સિંઘે જણાવ્યું હતું કે, હવાઇ ભાડાંમાં ઓછામાં ઓછો 10-15 ટકા વધારો થઈ શકે. તેમણે કહ્યું હતું કે, “જૂન 2021થી એટીએફના ભાવમાં 120 ટકાથી વધુ વૃદ્ધિ થઈ છે. આટલો મોટો ઉછાળો પોસાય તેમ નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એટીએફ પર ટેક્સ ઘટાડવા તાકીદે પગલાં લેવા જોઇએ.”
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષની શરૂઆતથી એટીએફના ભાવ 11 વખત વધ્યા છે અને છ મહિનામાં લગભગ બમણા થયા છે. પહેલી જાન્યુઆરીથી હવાઇ ઇંધણના ભાવ 91 ટકા વધ્યા છે.