મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

એર ઇન્ડિયાના ખાનગીકરણ બાદ સરકારને એરપોર્ટ અને ફ્લાઇટમાં સાંસદોને વીઆઇપી સુવિધાની ચિંતા સતાવી રહી છે. સરકારે એર ઇન્ડિયા સહિતની તમામ એરલાઇન્સ કંપનીઓને પત્ર લખી સાંસદોને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવાની તાકીદ કરી છે. સરકારે તમામ એરલાઇન્સ, એરપોર્ટ ઓપરેટર અને વિમાન સુરક્ષા નિયામકોને જણાવ્યું છે કે સંસદસભ્યો માટેના પ્રોટોકોલ, શિષ્ટાચારનું પાલન કરવામાં આવે અને તેમને સહાય કરવામાં આવે.

એર ઇન્ડિયાનું ટાટા ગ્રૂપને વેચાણ કરવામાં આવ્યાં બાદ દેશમાં એલાયન્સ એરને બાદ કરતાં તમામ એરલાઇન્સ કંપનીઓ ખાનગી હાથમાં આવી છે. આ ઉપરાંત દેશમાં જાહેર ખાનગી ભાગીદારી (પીપીપી) સાથેના એરપોર્ટની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે 21 સપ્ટેમ્બર 2021ના રોજ લખેલા પત્રમાં જણાવાયું છે કે એરપોર્ટ પર સાંસદોના પ્રોટોકોલ, શિષ્ટાચાર અને સમર્થન આપવા માટે સમયાંતરે નિર્દેશ આપવામાં આવે. એરપોર્ટ પર માનનીય સાંસદોના પ્રોટોકોલ અને શિષ્ટાચારમાં બેદરકારીના કેટલાંક કિસ્સા નોંધાયા છે. તેનાથી નિર્દેશોને ફરી દોહરાવામાં આવે અને તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવે છે કે તેનું યોગ્ય રીતે પાલન થાય.

આ પત્રમાં એ પ્રોટોકોલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેનો એર ઇન્ડિયાએ અમલ કરવાનો છે. જોકે આ પ્રોટોકોલ ખાનગી એરલાઇન્સ માટે નથી.પત્રમાં જણાવ્યા અનુસાર સીટ બુકિંગમાં સાંસદોને પ્રાથમિકતા આપવાની રહેશે. આ ઉપરાંત સીટ ખાલી ન હોય અને બુકિંગ કેન્સલ થાય તો સૌથી પહેલા સાંસદોને આપવાનું રહેશે. આ મુદ્દે એક એરલાઇન્સ અધિકારીએ જણાવ્યું હતું કે જાણીતા લોકોને હવાઇયાત્રા અને એરપોર્ટ પર વીઆઇપી ટ્રીટમેન્ટ અગાઉથી મળે છે.