અમદાવાદ એરપોર્ટ ખાતેથી ઓક્ટોબરમાં પ્રથમ 15 દિવસમાં વિદેશથી આવેલા મુસાફરો પાસેથી દાણચોરી માટે લાવવામાં આવી રહેલું રૂ.5૦ લાખથી વધુનું સોનું-કિંમતી માલસામાન ઝડપવામાં આવ્યો છે.

પાંચ ઓક્ટોબરે મુસાફર પાસેથી સોનાના બે કડા ઝડપવામાં આવ્યા હતા. આ બંને મુસાફરો રૂ.૧૨ લાખની કિંમતનું આ સોનું તેમના જૂતામાં છુપાવીને લાવી રહ્યા હતા. આ બંને મુસાફરો ઈમિગ્રેશનમાં પાસપોર્ટ સ્કેન કરી કન્વેયર બેલ્ટ તરફ જઇ રહ્યા હતા ત્યારે તેમની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ્સને શંકા ગઇ હતી. મેટલ ડિટેક્ટરથી તપાસ કરતાં તેમના જૂતામાંથી પ્યોર ગોલ્ડના સોનાના કડા મળી આવ્યા હતા. ૯ ઓક્ટોબરે ૩ અલગ-અલગ ફ્લાઇટમાં આવેલા મુસાફરો પાસેથી ૩૩૭ ગ્રામ એટલે કે અંદાજે રૂ.૬.૪૦ લાખનું સોનું મળી આવ્યું હતું. તપાસ દરમિયાન આ ત્રણેય મુસાફરો રાજસ્થાનના હોવાનું સામે આવ્યું હતું.

આ જ રીતે ૧૧ ઓક્ટોબરે એક જ મુસાફર પાસેથી ૮ આઇફોન-12 અને ૬ આઇફોન-૧૧ પ્રો મેક્સ ઝડપાયા હતા, જેની અંદાજીત કિંમત રૂ.૭.૫૪ લાખ હતી. બે દિવસ બાદ ૧૩ ઓક્ટોબરના બે મુસાફરો પાસેથી રોડિયમ ક્લોટિંગ કરેલા સોનાની ચેન બે કડા સાથે મુસાફરો ઝડપાયા હતા. ૪૭૧ ગ્રામના સોનાની આ કિંમત અંદાજે રૂ. ૨૩ લાખ છે. કસ્ટમ્સના નિયમ મુજબ વિદેશથી આવી રહેલો પુરુષ પ્રવાસી ૨૦ હજાર અને મહિલા પ્રવાસી ૪૦ હજારનું સોનું લાવી શકે છે તે પણ જ્વેલરીના સ્વરૂપમાં હોવું જોઇએ અને કસ્ટમ્સમાં ડેક્લેરેશન ફોર્મ ભરવું પડે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક મહિનાથી દુબઇ જતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે અને તેની સાથે જ સ્મગલિંગ સાથે સંકળાયેલા કેરિયરોનું પ્રમાણ પણ વધ્યું છે.