(Photo by INDRANIL MUKHERJEE/AFP via Getty Images)

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) મંગળવારે દેશના તમામ એરપોર્ટને તાકીદ કરી હતી કે એરપોર્ટ સંકુલમાં કોવિડ સેફ્ટી પ્રોટોકોલનું પાલન ન કરતાં મુસાફરો પાસેથી દંડ વસૂલ કરવા સહિતના આકરા પગલા લેવાના વિકલ્પની વિચારણા કરવામાં આવે.

DGCAએ જણાવ્યું હતું કે અત્યારે પણ દેશના કેટલાંક એરપોર્ટ પર કોવિડ-૧૯ પ્રોટોકોલના પાલનની સંદર્ભમાં સ્થિતિ સંતોષકારક નથી. તેથી એરપોર્ટ પર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોના પાલન અંગે તાકીદ કરવામાં આવી છે. ડીજીસીએએ કહ્યું કે, સ્થાનિક પોલીસ તંત્રના સહયોગથી સ્થળે જ દંડ વસૂલવા જેવી દંડાત્મક કાર્યવાહીની સંભાવના અંગે વિચારણા કરાઇ રહી છે. જેથી પ્રોટોકોલના ભંગ બદલ સખત પગલા ભરી શકાય.

ગયા અઠવાડિયે એટલે કે, ૧૫થી ૨૩ માર્ચ દરમિયાન ત્રણ એરલાઇન્સના ૧૫ મુસાફરો કોરોનાની ગાઇડલાઇન્સનું ભંગ કરતાં પકડાયા હતા. તેમના પર ત્રણ અઠવાડિયા સુધી ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ આદેશ આપવામાં આવ્યા હતા કે જો કોઇ મુસાફર યોગ્ય રીતે માસ્ક ન પહેરે તો તેની સામે કાર્યવાહી કરતાં તેને ફ્લાઇટમાંથી ઉતારી દેવાશે.