પ્રતિકાત્મક તસવીર (istockphoto)

જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના સમર્થન સાથેની અકાશા એર સાત ઓગસ્ટે તેની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ ચાલુ કરશે. મુંબઈ-અમદાવાદ રૂટ પરની આ પ્રથમ ફ્લાઇટ માટે કંપની બોઇંગ 737 મેક્સ વિમાનનો ઉપયોગ કરશે.
અકાશા એરે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એરલાઇને 7 ઓગસ્ટથી મુંબઈ-અમદાવાદ રૂટ પરની વીકલી ધોરણે ચાલુ થનારી 28 ફ્લાઇટ્સ માટે ટિકિટનું વેચાણ ચાલુ કર્યું છે. બેંગલુરુ-કોચી વચ્ચેની ફ્લાઇટ 13 ઓગસ્ટથી ચાલુ થશે.

ફ્લાઇટ ઓપરેશન બે બોઇંગ 737 મેક્સ વિમાન આધારિત હશે. બોઇંગે કંપનીને એક વિમાનની ડિલિવરી આપી છે અને બીજા વિમાનની ડિલિવરી આ મહિનાના અંત ભાગમાં મળશે. અકાશા એરના સહ-સ્થાપક અને ચીફ કોમર્શિયલ ઓફિસર પ્રવીન ઐયરે જણાવ્યું હતું કે અમે બ્રાન્ડ ન્યૂ બોઇંગ 737 મેક્સ વિમાન સાથે મુંબઈ અને અમદાવાદ વચ્ચે ફ્લાઇટ્સ સાથે સર્વિસનો પ્રારંભ કરીશું. અમે નેટવર્ક વિસ્તરણ માટે તબક્કાવાર અભિગમ અપનાવીશું અને ધીમે ધીમે વધુ શહેરો માટે જોડાણ આપીશું.

ભારતના એવિયેશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)એ 7 જુલાઇએ અકાશા એરને એર ઓપરેટ સર્ટિફિકેટ (લાઇસન્સ) આપ્યું હતું.