(Photo by STRDEL/AFP via Getty Images)

કોરોના વાઇરસ મહામારી દરમિયાન અક્ષયકુમારે ઘણા સેવા કાર્યો કર્યા છે. તાજેતરમાં તેણે ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરની સંસ્થાને રૂ. એક કરોડ દાનમાં આપ્યા છે. ગૌતમે ટ્વીટર પર તેની માહિતી આપતાં અક્ષયકુમાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે. આ મુશ્કેલીના સમયમાં ગૌતમની સંસ્થા લોકોને મદદ કરી રહી છે. ગૌતમ ગંભીરે ટ્વીટ કર્યું કે, ‘આ સમયે દરેક મદદ આશાનું કિરણ બનીને આવે છે. #GGF ફાઉન્ડેશનને એક કરોડ રૂપિયા આપવા માટે તમારો આભાર અક્ષયકુમાર. આનાથી જરૂરિયાતમંદોને જમવાનું, ઓક્સિજન અને દવાઓની મદદ મળી શકશે.’

ગૌતમની ટ્વીટનો પ્રતિસાદ આપતા અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે, આ બહુ જ મુશ્કેલ પળ છે. મને ખુશી છે કે હું મદદ કરી શકું છું. પ્રાર્થના કરું છું કે આ સંકટમાંથી આપણે વહેલાં બહાર આવીએ. સલામત રહો. ઉલ્લેખનીય છે કે, અક્ષયકુમારે કટોકટીના સમયે હંમેશા મદદ કરી છે. ગયા વર્ષે તેણે પીએમ કેર્સ ફંડમાં રૂ. ૨૫ કરોડ જમા કરાવ્યા હતા. પછી તેણે મુંબઇ પોલીસ ફાઉન્ડેશનને પણ રૂ. બે કરોડનું દાન આપ્યું હતું. તેણે આસામમાં પૂર પીડિતોને પણ મદદ કરી હતી. અક્ષયકુમાર પોતે પણ કોરોનાનો ભોગ બની ચૂક્યો છે. પરંતુ તે સ્વસ્થ છે. તેની પત્ની ટ્વીંકલ ખન્નાએ આ વાતની માહિતી સોશિયલ મીડિયામાં આપી હતી.