(Photo credit should read STRDEL/AFP via Getty Images)

બોલીવૂડમાં એવું કહેવાય છે કે, ફિલ્મને સુપરહિટ બનાવવી હોય તો અક્ષયકુમારને મુખ્ય રોલ આપવો પડે. પરંતુ તાજેતરમાં અક્ષયકુમારની સતત બે ફિલ્મો ફ્લોપ પુરવાર થઈ છે. એક સમયે ખૂબ સરળતાથી અક્ષયની ફિલ્મો 100 કરોડની ક્લબમાં આવી જતી હતી. જોકે, કોરોના પછી સમય પલટાયો છે અને અક્ષયની ફિલ્મોને બજેટ જેટલું કલેક્શન મેળવવામાં પણ ખૂબ મુશ્કેલી પડે છે. કોરોના પછી સૂર્યવંશી હિટ રહી હતી, પરંતુ તે સિવાયની બે ફિલ્મો ખાસ આકર્ષણ ઊભું કરી શકી નથી. આથી  અક્ષયકુમારને ફીમાં ઘટાડો કરવાની ફરજ પડી છે તેવી ચર્ચા બોલીવૂડમાં થઇ રહી છે.

તેની બચ્ચન પાંડે અને સમ્રાટ પૃથ્વીરાજ બિગ બજેટ ફિલ્મો હતી, પરંતુ તેનું કલેક્શન નિરાશાજનક રહ્યું હતું. આ બંને ફિલ્મો થીયેટરમાં બે વીક પણ ટકી શકી ન હતી. આ બંને ફિલ્મો ફ્લોપ જતાં એ સ્પષ્ટ થયું છે કે, અક્ષય કુમારની લોકપ્રિયતા પણ ઘટી છે. જેના કારણે અક્ષય કુમારે પોતાની ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હોવાનું સૂત્રો જણાવે છે.
આ વર્ષના સૌથી વ્યસ્ત અભિનેતામાં અક્ષયકુમારની ગણતરી થાય છે. અક્ષયના નવા પ્રોજેક્ટ્સમાં સૌથી વધુ ઉત્સુકતા બડે મિયાં છોટે મિયાં માટે છે. ટાઈગર શ્રોફ સાથેની આ ફિલ્મ વર્ષના અંત સુધીમાં ફ્લોર પર જવાની શક્યતા હતી, પરંતુ હવે આ ફિલ્મ હોલ્ડ પર મૂકાઈ હોવાનું કહેવાય છે. આ ફિલ્મને અક્ષયકુમારની કરિયરની સૌથી મોંઘી એક્શન થ્રિલર કહેવામાં આવે છે. ફિલ્મનું બજેટ 300 કરોડથી વધુ રહેવાની શક્યતા છે. જેમાં અક્ષય અને ટાઈગરની ફી પેટે 200 કરોડ ચૂકવવાનું નક્કી થયું હતું. ફિલ્મના સ્ટાર્સની ફી ઉપરાંત 35થી 60 કરોડનું બજેટ રાખવામાં આવ્યું હતું. અક્ષયકુમારની અન્ય ફિલ્મોમાં રક્ષાબંધન, રામ સેતુ, ઓએમજી 2, સેલ્ફી, મિશન સિન્ડ્રેલા, ગોરખા અને સાઉથની ફિલ્મોની રીમેકનો સમાવેશ થાય છે.