ભારતીય અને હિંદુ ઓળખને કારણે ઇરાદાપૂર્વક વ્યવસ્થિત સ્મીયર ઝુંબેશના પરિણામે લંડનની અગ્રણી યુનિવર્સિટી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ સ્ટુડન્ટ યુનિયન(LSESU)ના સ્ટુડન્ટ્સ યુનિયનની ચૂંટણીમાંથી પોતાને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હોવાનો લૉમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીનો અભ્યાસ કરતા હરિયાણાના વિદ્યાર્થી કરણ કટારિયાએ આરોપ લગાવ્યો છે. કરણને પાયાવિહોણા આરોપો અને તેમના કેસને સંપૂર્ણ રીતે જણાવવાની તક આપ્યા વિના ગયા અઠવાડિયે તેમને જનરલ સેક્રેટરીની ઉમેદવારીમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

કરણ કટારિયાએ જણાવ્યું હતું કે “દુર્ભાગ્યે, અમુક વ્યક્તિઓ એક ભારતીય અને હિંદુને LSESUનું નેતૃત્વ કરતા જોવાનું સહન કરી શક્યા નહીં અને મારા ચરિત્ર અને ઓળખને બદનામ કરવાનો આશરો લીધો હતો. જે આપણા સામાજિક સમુદાયોને જડમૂળથી ઉખેડી નાખતી ચિંતાજનક કેન્સલ કલ્ચર સાથે સ્પષ્ટપણે સુસંગત છે. જ્યારે મેં LSE ખાતે મારા પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસની શરૂઆત કરી, ત્યારે મને સ્ટુડન્ટ વેલ્ફેર માટેના મારા જુસ્સાને વધુ પરિપૂર્ણ કરવા માટે પ્રયત્નો કરવાની અને વધુ પરિપૂર્ણ કરવાની આશા હતી. પરંતુ મારા સપના ચકનાચૂર થઈ ગયા હતા.”

કટારિયાએ કહ્યું હતું કે “મને એક વ્યવસ્થિત સ્મીયર ઝુંબેશને આધિન હિંદુ રાષ્ટ્રવાદી તરીકે ઓળખાવી કોઈ પુરાવા ન હોવા છતાં વિદ્યાર્થીઓના વિવિધ વોટ્સએપ ગૃપોમાં રેસીસ્ટ, યુરોફોબિક, ટ્રાન્સફોબિક અને ઇસ્લામોફોબિક હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ દ્વેષપૂર્ણ ઝુંબેશની શરૂઆત કરનારા અન્યાયીઓને ઓળખવા અને સજા કરવાને બદલે LSESU એ મારો પક્ષ સાંભળ્યા વિના અથવા મને મળેલા મતો જાહેર કર્યા વિના મને ગેરલાયક ઠેરવ્યો છે. મતદાનના દિવસે ભારતીય વિદ્યાર્થીઓને તેમની રાષ્ટ્રીય અને હિંદુ ધાર્મિક ઓળખના કારણે ધમકાવીને નિશાન બનાવવામાં આવ્યા હતા. તો કેટલીક ભારતીય મહિલા વિદ્યાર્થીઓ પર “હિંદુ ફાસીસ્ટ” અને “બદમાશ” હોવાનો આરોપ મૂકાયો હતો. તે વિદ્યાર્થીઓએ આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ LSESU એ બુલીઇંગ કરનારા સામે કાર્યવાહી ન કરીને તેમને બાજુએ મૂકી દીધા હતા. આવી અસ્વીકાર્ય વર્તણૂક વિશે વિદ્યાર્થીઓની ફરિયાદોનો મૌન વ્યવહાર પણ LSESU સામે હિંદુફોબિયાના આરોપને વાજબી ઠેરવે છે.”

તેમણે કહ્યું હતું કે “હું મારી સુરક્ષા માટે ચિંતિત છું. હું યુકે આવ્યો છું કારણ કે તે વિશ્વની સૌથી જૂની લોકશાહીઓમાંની એક છે. પણ મેં સપને પણ વિચાર્યું નહોતું કે મારી હિંદુ આસ્થા અને ભારતીય ઓળખને કારણે મને અન્યાય કરાશે. મને લાગે છે કે યુકે ભારતીય વિદ્યાર્થીઓને ‘કેશકાઉ’ માને છે. LSESUની ક્રિયાઓ સરમુખત્યારશાહી, અલોકતાંત્રિક, ઝેનોફોબિક અને પક્ષપાતી માનસિકતા દર્શાવે છે.”

LSESU એ સોમવારે તા. 3ના રોજ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે ‘’સંસ્થા ન્યાયી અને લોકશાહી રીતે કાર્ય કરે છે અને કોઈપણ પ્રકારની ઉત્પીડન અને ગુંડાગીરી પ્રત્યે સખત ઝીરો-ટોલરન્સ વલણ ધરાવે છે. અમે આ વર્ષની ચૂંટણીની બાહ્ય સમીક્ષાનો પણ આદેશ આપ્યો છે. દુર્ભાગ્યવશ, આ વર્ષે ઉમેદવાર દ્વારા ચૂંટણીના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે, જેના પરિણામે LSESUએ તેમને આ વર્ષની લીડરશિપ રેસમાંથી જનરલ સેક્રેટરીના હોદ્દા માટે ગેરલાયક ઠેરવવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. LSESU હંમેશા ચૂંટણીઓ કેવી રીતે કરાવાઇ તેની સમીક્ષા કરે છે. અમને વિશ્વાસ છે કે તમામ નિર્ણયો યોગ્ય પ્રક્રિયા અને શ્રેષ્ઠ પ્રથા અનુસાર અનુસરવામાં આવ્યા હતા. જો કે, આ અનુભવે સંકળાયેલા કેટલાક ઉમેદવારો પર જે અસર કરી છે તે જોતાં, અમે આ વખતે બાહ્ય સમીક્ષા કરીશું અને તે મુજબ સમુદાયને અપડેટ કરવાનો પ્રયાસ કરીશું.”

આ નિવેદન તે નિયમના ભંગ તરફ ધ્યાન દોરે છે જેમાં ઉમેદવારોએ પોતાનો મત આપનાર કોઈપણ વ્યક્તિથી લગભગ 2 મીટરનું “વાજબી અંતર” રાખવાનું જણાવે છે. જો કે LSESUએ કટારિયાને કેટલા મત મળ્યા છે અથવા તેણે કોઈ નિયમ તોડ્યો છે તે દર્શાવતા CCTV ફૂટેજ બતાવવાનો ઇનકાર કર્યો હતો.

29 માર્ચના રોજ, મતદાન થયા પછી, તેને રિટર્નિંગ ઓફિસર તરફથી એક પત્ર મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે ‘’મને ઘણી ફરિયાદો મળી છે કે તે ઉગ્રવાદી સંગઠનનો સભ્ય છે. પરંતુ મને કોઈપણ અસહિષ્ણુતા અથવા ભેદભાવપૂર્ણ વર્તનનો કોઈ પુરાવો મળ્યો નથી. પણ તમને બે-મીટરના નિયમનો ભંગ કરવા બદલ દોષીત હોવાથી હરીફાઈમાંથી અયોગ્ય ઠેરવ્યુ છે.’

કટારિયાએ આ નિર્ણય સામે અપીલ કરી હતી, પરંતુ તેમની અયોગ્યતા યથાવત રાખી જેમ્સ રેફલને જનરલ સેક્રેટરી જાહેર કરાયા છે. ભારતના હરિયાણાના ગુરગાંવનો વતની 22 વર્ષીય કરણ કટારિયા મધ્યમ-વર્ગના ખેડૂત પરિવારમાંથી આવે છે અને તેઓ પરિવારમાં પ્રથમ પેઢીના યુનિવર્સિટી-સ્તરના સ્નાતક છે. કરણ કટારિયાએ નોર્થકેપ યુનિવર્સિટીમાં પ્રથમ ડિગ્રી મેળવી હતી અને માસ્ટર્સ શરૂ કરવા માટે ગયા સપ્ટેમ્બરમાં યુકે આવ્યા બાદ તુરંત જ તેમના કોહોર્ટના એકેડેમિક રિપ્રેઝન્ટેટીવ તરીકે અને યુકેના નેશનલ યુનિયન ફોર સ્ટુડન્ટ્સ (NUS)ના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા.

LEAVE A REPLY

two × five =