પ્રસ્તુત તસવીરમાં અમિત જોગીયા સાથે પૂર્વ કેબિનેટ મિનિસ્ટર ડૉ. સિયામ ફોક્સ

સમૃદ્ધ સંસદીય લોકશાહીને સમર્થન આપવા માટે સમર્પણ અને પ્રતિબદ્ધતા દર્શાવી સૌને પ્રભાવિત કરનાર પ્રેરણાદાયી ટીમો અને વ્યક્તિઓને ધ પાર્લામેન્ટ્સ પીપલ્સ એવોર્ડ્સથી બ્રિટીશ પાર્લામેન્ટ ખાતે  નવાજવામાં આવ્યા હતા. જેમાં ‘સ્ટાફર ઓફ ધ યર હાઉસ ઓફ લોર્ડ્સ એવોર્ડ’ લોર્ડ પોપટના ચીફ ઓફ સ્ટાફ અને યુવાન કોન્ઝર્વેટીવ કોઉન્સિલર અમિત જોગીયાને એનાયત કરવામાં આવ્યો હતો.

આ એવોર્ડ એવા કર્મચારીને આપવામાં આવે છે જેઓ હાલમાં પીઅર માટે કામ કરે છે અને કોઈ પણ રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરી પોતાની રોજબરોજની કામગીરીથી ઉપર જઇને સેવાઓ આપે છે.

અમીત જોગીયાએ એક ઇન્ટર્ન તરીકે લોર્ડ પોપટ સાથે પોતાની કામગીગી શરૂ કરી હતી અને તેમની ઓફિસના ચીફ ઓફ સ્ટાફ સુધી પહોંચ્યા હતા. અમીત લોર્ડ પોપટની ટીમના પ્રતિભાશાળી અને લાંબા સમયથી સેવા આપતા સભ્ય છે.

અમીતે સંસદમાં નોન-પાર્લામેન્ટીરીયન માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ચર્ચા ગોઠવવામાં મદદ કરી હતી. તેમણે આફ્રિકાને લોર્ડ્સમાં સંસદીય કાર્યસૂચિ પર મૂકવા માટે અથાક મહેનત કરી હતી. તેમણે આફ્રિકાના વિકાસ માટે, APPGs, એમ્બેસીઓ અને અન્ય સંસ્થાઓ સાથે પણ કામ કર્યું છે. અમીત જોગીયા જનસમાજમાં પ્રવર્તી રહેલા ભેદભાવને ગેરકાયદેસર ઠેરવવા વિશે અભિયાન ચલાવી રહ્યા છે. તેમણે લોર્ડ પોપટને યહૂદી વિરોધી પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસદીય ચર્ચાનું આયોજન કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે રોગચાળા દરમિયાન મુખ્ય દવાઓ પરના પ્રતિબંધને દૂર કરવા માટે પણ ઝૂંબેશ ઉપાડી હતી જેનાથી સ્થાનિક ફાર્મસીઓ અને ત્યારબાદ વિશાળ વસ્તીને ફાયદો થયો હતો.

અમીત સંસદમાં ઓછું પ્રતિનિધિત્વ ધરાવતા જૂથો વતી ચેમ્પિયન બનવા અને સાંસદોને વિવિધ મુદ્દાઓ બાબતે હિમાયત કરવામાં મહારથ ધરાવે છે. કેન્સરમાં પોતાના માતાપિતા બંનેને દુઃખદ રીતે ગુમાવ્યા બાદ અને ઘરમાં નવજાત શિશુના આગમન બાદ અમીતે બમણા જોશથી કામ કરવાનું ચાલુ રાખ્યું હતું  જે લોકશાહી પ્રત્યેના તેમના પ્રશંસનીય સમર્પણને પ્રતિબિંબિત કરે છે.

ધ હાઉસ મેગેઝિનના અધ્યક્ષ અને એમપી સર ગ્રેહામ બ્રેડીએ જણાવ્યું હતું કે ‘’દેશભરના મતદારોને ટેકો આપવા માટે સખત મહેનત કરતા કર્મચારીઓની સેનાનો ઉલ્લેખ કર્યા વગર રહી શકતો નથી. પડદા પાછળ કામ કરતા હજારો સમર્પિત જાહેર સેવકો વિના સંસદ કામ કરી શકતી નથી. આ એવોર્ડ્ઝ તેમના મૂલ્યવાન કાર્યની ઉજવણી કરશે.”

તમામ સાંસદો અને સાથીદારો, તેમનો સ્ટાફ, સંસદીય અથવા મતવિસ્તારની કચેરીઓમાં, અથવા જેઓ હાઉસ ઓફ કોમન્સ, હાઉસ ઓફ લોર્ડ્સ અથવા પાર્લામેન્ટ ડિજિટલ સેવા દ્વારા કાર્યરત છે તેઓ પોતાના સહકર્મીને આ એવોર્ડ માટે નોમિનેટ કરી શકે છે.