ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા અમૂલનું વાર્ષિક ટર્નઓવર રૂ. 61 હજાર કરોડ પર પહોંચ્યું છે. અત્યારે વિશ્વમાં આઠમા સૌથી મોટા ડેરી સંગઠન તરીકે સ્થાન ધરાવનાર અમૂલ ફેડરેશને ગત વર્ષની સરખામણીમાં ટર્નઓવરમાં 18.46 ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે. અમૂલમાં એવી ટેકનોલોજી પર પણ કામ થઇ રહ્યું છે, જે ઝડપથી બગડી જતી દૂધ આધારિત ભારતીય મીઠાઈઓ અને ડેઝર્ટ્સનો ૪૫ દિવસ સુધી અને તેથી વધુ સમય સંગ્રહ કરી શકે. અમૂલનો નજીકના ભવિષ્યમાં રૂ. 500 કરોડના રોકાણ સાથે રાજકોટમાં નવો ડેરી પ્લાન્ટ બનશે અને આગામી બે વર્ષની અંદર દિલ્હી, વારાણસી, રોહતક અને કોલકાતા, બાગપતમાં પણ મોટા ડેરી પ્લાન્ટ્સ શરૂ થઈ જશે. જીસીએમએમએફ (અમૂલ ફેડરેશન)ની તાજેતરમાં 48મી વાર્ષિક સાધારણ સભા પછી જીસીએમએમએફના ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું કે, છેલ્લાં 12 વર્ષમાં દૂધની ખરીદીમાં 190 ટકાનો અસાધારણ વધારો થયો છે. આ નોંધપાત્ર વૃદ્ધિ દૂધની ખરીદી માટે ખેડૂત-સભ્યોને ચૂકવાયેલી ઉંચી કિંમતને કારણે છે, જે 12 વર્ષના સમયગાળા દરમિયાન ખેડૂતોને ચૂકવવામાં આવતાં દૂધના ખરીદભાવમાં 143 ટકાનો વધારો થયો છે. અમૂલની વિસ્તરણ યોજનાઓ દૂધના સંપાદન ઉપર આધારિત છે. સામાન્ય રીતે દર વર્ષે અંદાજે રૂ. 800 કરોડથી રૂ. એક હજાર કરોડના રોકાણ દ્વારા પ્રોસેસિંગ ક્ષમતાનું વિસ્તરણ થાય છે.
જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર ડો.આર.એસ.સોઢીએ જણાવ્યું કે, અમૂલની મોટાભાગની ડેરી કેટેગરીમાં ઉંચી વૃદ્ધિ થઈ રહી છે. વર્ષ ૨૦૨૧ની ઉનાળાની પીક સીઝન કોવિડની બીજી લહેરથી પ્રભાવિત હોવા છતાં દૂધ-આધારિત પીણાંના વ્યવસાયમાં મૂલ્યની દ્રષ્ટિએ ૩૬ ટકાનો વધારો થયો હતો. વર્ષ ૨૦૨૨માં ૫૦ ટકાથી વધુની મૂલ્ય વૃદ્ધિ સાથે આઇસક્રીમ બિઝનેસમાં નોંધપાત્ર પુનઃવૃદ્ધિ જોવા મળી હતી. મૂલ્યની દૃષ્ટિએ ફ્લેગશિપ બ્રાન્ડ અમૂલ બટરમાં ૧૭ ટકાનો વધારો થયો છે, જ્યારે ઘીનો કારોબાર ૧૯ ટકાથી વધુ વધ્યો છે. અમૂલના લોંગ લાઇફ મિલ્કમાં ૧૭ ટકા અને અમૂલ ક્રીમમાં ૪૪ ટકા મૂલ્ય વૃદ્ધિ, અમૂલ દહીંમાં ૨૪ ટકા મૂલ્ય વૃદ્ધિ, છાશમાં ૧૮ ટકા મૂલ્ય વૃદ્ધિ અને સૌથી મોટી ઉત્પાદન કેટેગરી અમૂલ તાજા દૂધમાં ૧૨ ટકાની નોંધપાત્ર મૂલ્ય વૃદ્ધિ હાંસલ કરી છે.