આનંદ પરમાર (તસવીર: લેસ્ટરશાયર પોલીસ)

બે સપ્તાહ પૂર્વે તા. 12 એપ્રિલના રોજ મળસ્કે લેસ્ટરના બ્રાઇટન રોડ, હેમ્બર્સટોન ખાતે વક્ઝોલ એસ્ટ્રા કારના બુટમાંથી ગંભીર ઈજાઓ સાથે કપડા વગર બેભાન હાલતમાં મળી આવેલા આનંદ પરમારના મૃત્યુ અંગે આ વર્ષના અંતે લેસ્ટર ક્રાઉન કોર્ટમાં સુનાવણી શરૂ થશે એમ માનવામાં આવે છે. આનંદભાઇએ મળી આવ્યા ત્યારે માત્ર અન્ડરપેન્ટ પહેરેલું હતું.

લેસ્ટર ટાઉન હૉલમાં શરૂ કરાયેલ ઇન્કવેસ્ટ દરમિયાન, ડિટેક્ટીવ ઇન્સ્પેક્ટર કેની હેનરીએ 47 વર્ષીય આનંદ પરમાર અંગે પુરાવા આપ્યા હતા. ડીટેક્ટીવ ઈન્સ્પેકટ હેનરીએ કહ્યું હતું કે “સોમવાર, 12 એપ્રિલ, સવારે 3 વાગ્યે બ્રાઇટન રોડના વિસ્તારમાં શંકાસ્પદ રીતે જતી કારને જોઇને પોલીસે તેનો પીછો કરતા તે કાર એક ડેડ-એન્ડ રોડ પર પ્રવેશી હતી. કારનો ડ્રાઇવર કારમાંથી ભાગીને એક બગીચામાં છુપાવાનો પ્રયાસ કરતા તેની ચોરીની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. અમે કાર પાસે આવીને તપાસ કરતા કારના બૂટમાંથી આનંદ પરમાર બેભાન હાલતમાં માત્ર અંડરપેન્ટ પહેરેલા મળી આવ્યા હતા. એમ્બ્યુલન્સમાં પરમારને ક્વીન્સ મેડિકલ સેન્ટર પહોંચાડ્યા હતા. પરંતુ તેમનું મરણ થયુ હતું.’’

હેનરીએ જણાવ્યું હતું કે ‘’આ હત્યા માટે ત્રણ શખ્સો પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે, અને તેમને તા. 19ને સોમવારે લેસ્ટર ક્રાઉન કોર્ટમાં હાજર કરાયા હતા અને હવે તા. 6 ડિસેમ્બરે કામચલાઉ સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી હતી. આ ત્રણ પૈકી બે જણા પર ક્લાસ એ ડ્રગ્સની સપ્લાય કરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. અન્ય ચાર લોકોની ગુનેગારોને મદદ કરવાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે અને તેમને જામીન અપાયા છે.’’