Anugrah Abraham suicide

ભારતીય મૂળના સ્ટુડન્ટ પોલીસ ઓફિસર અનુગ્રહ અબ્રાહમે વેસ્ટ યોર્કશાયર પોલીસ માટે કામ કરતી વખતે તણાવના કારણે આત્મહત્યા કરી લીધા બાદ તેના પરિવારે આરોપ મૂક્યો છે કે તે તણાવમાં હોવા છતાય તેને કોઇ ટેકો આપવામાં આવ્યો ન હતો અને તે ભેદભાવ અને બુલીઇંગનો ભોગ બન્યો હતો.

પરિવારે પોલીસ વોચડોગ ઈન્ડિપેન્ડન્ટ ઓફિસ ફોર પોલીસ કન્ડક્ટ (IOPC)ની સ્વતંત્ર તપાસની માંગ કરી છે. પરંતુ તેમને કહેવાયું છે કે આ બાબતે ફોર્સના પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી સ્થાનિક તપાસને આધિન રહેશે. તપાસની માંગને કિડ્સ ઓફ કલર અને નોર્ધન પોલીસ મોનિટરિંગ પ્રોજેક્ટ દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે. અનુ બરીમાં રહેતો હોવાથી, ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ તેના કેસનો હવાલો સંભાળતી હતી.

અનુ તરીકે ઓળખાતો  21 વર્ષીય અનુગ્રહ અબ્રાહમ લીડ્ઝ ટ્રિનિટી યુનિવર્સિટીમાં તેની ત્રણ વર્ષની એપ્રેન્ટિસશિપ ડિગ્રીના ભાગરૂપે વેસ્ટ યોર્કશાયર પોલીસના હેલિફેક્સ પોલીસ સ્ટેશનમાં તેના પ્રથમ ઓન-ધ ગ્રાઉન્ડ પ્લેસમેન્ટ પર હતો. તે 3 માર્ચ શુક્રવારના રોજ ગુમ થયો હતો અને બીજા દિવસે તેની લાશ મળી હતી.

તેના પરિવારનો આક્ષેપ છે કે તેને સાથીદારો તરફથી ટાર્ગેટેડ બુલિઇંગનો સામનો કરવો પડ્યો હતો. અસંખ્ય પ્રસંગોએ તેને સાથીદારોની સામે બૂમો પાડીને ઘરેલુ દુર્વ્યવહારને લગતી ઘટનાઓ સહિતની મુશ્કેલ પરિસ્થિતીઓ સંભાળવા એકલો મોકલવામાં આવ્યો હતો. તાલીમની શરૂઆતમાં નદીમાંથી મળી આવેલા શબની સંપૂર્ણ તપાસ કરવા તેને દબાણ કરાતા આઘાતમાં તેને ઉલટી થઈ હતી. આ માટે તેને કોઇ શિક્ષણ અથવા પીઅર સપોર્ટ પાયો ન હતો. તેને એકલો કામ કરવા મોકલવામાં આવતો જ્યાં તે એશિયન હેરિટેજનો એકમાત્ર યુવાન અધિકારી હતો અને તેને કદાચ તેને બાહ્ય સમર્થનની પણ જરૂર રહેતી.

અનુએ કથિત રીતે તેના લાઇન મેનેજર અને ટીમના અન્ય લોકોને કહ્યું હતું કે તે સારો અનુભવ કરી રહ્યો નથી અને એકલા અસાઇનમેન્ટ પર જવા માંગતો નથી. જેના જવાબમાં તેને મેનેજમેન્ટ પ્લાન પર મૂકવામાં આવ્યો હતો.

તેની માતાએ કહ્યું હતું કે ‘’શુક્રવાર 3 માર્ચની સવારે અનુએ તેના માતાપિતા સાથે નાસ્તો કર્યો હતો ત્યારે બીજા દિવસે કામ પર પાછા જવાનો તણાવ અને ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તે જ સાંજે તેના ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. પરિવારનું કહેવું છે કે તેમની સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું તે “ભયાનક” હતું.’’

પરિવારનો આરોપ છે કે જ્યારે અનુની કાર 3 માર્ચની સાંજે વૂડલેન્ડ્સ નજીક મળી આવી ત્યારે પોલીસે જંગલો “ખતરનાક” છે અને “હેજહોગ્સ” જેવા જંગલી પ્રાણીઓ છે તેમ કહી તે વિસ્તારની શોધ કરી ન હતી અને તેને શોધવા માટે હેલિકોપ્ટર મોકલવાની ના પાડી હતી. તે પછી તેનો મૃતદેહ 4 માર્ચે એક ડોગ વોકરને મળી આવ્યો હતો.

પરિવારનું કહેવું છે કે તેમને ત્રણ દિવસ સુધી અનુનો મૃતદેહને જોવાની મંજૂરી અપાઇ ન હતી અને વિકેન્ડ હોવાથી મોર્ચ્યુરી લોકો માટે બંધ છે તેમ કહેવાયું હતું. પરંતુ મોર્ચ્યુરી સ્ટાફે કહ્યું હતું કે વિકેન્ડમાં તેઓ મૃતદેહ જોઈ શક્યા હોત.

તેના પરિવારે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે “અનુ પ્રામાણિક, પ્રેમાળ, સ્માર્ટ, મહેનતુ હતો તથા પ્રિયજનો તેને “જેન્ટલ જાયન્ટ” તરીકે ઓળખતા હતા. અનુ સેવા કરવાનો સંકલ્પ ધરાવતો સૌમ્ય અને આશાસ્પદ યુવાન હતો જે આપણાથી દૂર થઇ ગયો છે. તે કારણે તેના માતા-પિતા, ભાઈ-બહેન અને મિત્રોના દુઃખ અને યાતનામાં વધારો થયો છે. ખૂબ જ ગંભીર આરોપો અને આધારભૂત પુરાવા છે કે તે પોલીસ દ્વારા જ કરાયેલી બુલિઇંગ અને ધાકધમકીનાં અભિયાનનો ભોગ બન્યો હતો – જે સંસ્થાકીય રીતે જાતિવાદી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. તેમના પરિવાર માટે ભંડોળની જરૂર છે અને તે ભંડોળ કુટુંબને ન્યાય અપાવવામાં સીધી મદદ કરશે તથા સુનિશ્ચિત કરશે કે કેસની સ્વતંત્ર રીતે તપાસ કરાય છે. તે યુકેમાં પોલીસિંગની યોગ્ય તપાસ અને સુધારણા થવાની શક્યતા વધુ બનાવશે.’’

એક નિવેદનમાં પરિવારે પરિવારે માંગ કરી છે કે IOPC એ તેના નિર્ણય પર તાકીદે પુનર્વિચાર કરવો જોઈએ. સ્વતંત્ર તપાસના કારણે પરિવાર સાથે કેટલીક વિશ્વસનીયતા રહેશે. તેમાં કહ્યું છે કે ‘’અનુ પોલીસ દળ દ્વારા સંભાળની ફરજના અભાવનો શિકાર બન્યો હતી. પોલીસ એક યુવાન તાલીમાર્થી પોલીસ અધિકારીના ઉછેર અને તેને ટેકો આપવામાં નિષ્ફળ ગઈ હતી”.

વેસ્ટ યોર્કશાયર પોલીસના પ્રવક્તાએ કહ્યું: “અમે વર્કફોર્સમાં બુલીઇંગ અને ભેદભાવના આરોપોને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. ફોર્સે IOPC ને કેસ રીફર કરતા તેમણે સ્થાનિક સ્તરે થતી તપાસને યોગ્ય માની છે.’’

ગ્રેટર માન્ચેસ્ટર પોલીસની પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ બ્રાન્ચના ડીસીઆઈ ડેવ જોન્સે જણાવ્યું હતું કે “આ ઘટનાને સમીક્ષા માટે અમારી બ્રાન્ચ અને IOPCને મોકલવામાં આવી હતી, જેમણે એવું તારણ કાઢ્યું હતું કે GMP પોલીસ અનુગ્રહના મૃત્યુ માટે જવાબદાર નથી. પોલીસ દળે ગુમ થયેલા વ્યક્તિના રિપોર્ટ પર યોગ્ય પ્રતિભાવ આપ્યો હતો.”

IOPC પ્રવક્તાએ કહ્યું હતું કે “તપાસના નિષ્કર્ષ પર IOPC દ્વારા સમીક્ષા કરવામાં આવેલા મામલા બાબતે ફરિયાદીને રજૂઆત કરવાનો અધિકાર હશે.”

LEAVE A REPLY

three × three =