મહંમદ પયગંબર સાહેબ અંગેની ભાજપના બે નેતાઓની વિવાદાસ્પદ ટીપ્પણીના વિરુદ્ધમાં મુસ્લિમોએ શુક્રવારની નમાઝ પછી અમદાવાદમાં દેખાવો કર્યા હતા. REUTERS/Amit Dave

પયગંબર વિવાદને પગલે શુક્રવારની નમાઝ બાદ દેશભરમાં થયેલા દેખાવો અને હિંસાની ઘટનાઓમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ જેવા રાજ્યોએ કાર્યવાહી હાથ ધરીને આશરે 400 લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં હિંસાના આરોપીના ગેરકાયદે મકાનો પર સતત બીજા દિવસે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં હજુ પણ હિંસા અટકી રહી નથી. રવિવારે સાંજે નાદિયા જિલ્લામાં મુસ્લિમોના ટોળાએ હુમલા ચાલુ રાખ્યાં હતા અને બેથુઆડરહરી રેલવે સ્ટેશનમાં સ્થાનિક ટ્રેનમાં તોડફોડ કરી હતી.

ઉત્તરપ્રદેશના આઠ જિલ્લામાં કુલ 304 લોકોની તથા પશ્ચિમ બંગાળના હાવડા અને મુર્શિદાબાદમાં 100 લોકો ધરપકડ કરાઇ હતી. રાંચી પોલીસે હિંસાની ઘટનાઓના સંદર્ભમમાં સેકડો લોકો સામે 25 એફઆઈઆર દાખલ કરી છે. ઝારખંડની રાજધાની રાંચીની હિંસામાં બે લોકોના મોત થયા હતા અને બીજા અનેક લોકો ઘાયલ થયા હતા.મહારાષ્ટ્રની ભીવંડી પોલીસે પયંગબર અંગે વિવાદાસ્પદ નિવેદન બદલ સોમવારે હાજર થવા નુપુર શર્માને સમન્સ મોકલ્યું છે, જ્યારે નવીન જિંદાલે 15 જૂને પોલીસ સમક્ષ હાજર થવું પડશે.

યુપીમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આરોપીઓ સામે આકરા પગલાં લેવાની જાહેરાત કરી છે. રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે આઠ રાજ્યોમાં 13 કેસ દાખલ કરાયા છે અને 304 લોકોની ધરપકડ થઈ છે. પ્રયાગરાજમાં 91, સહારનપુરમાં 71, હાથરસમાં 51, આંબેડકરનગર અને મોરાદાબાદ પ્રત્યેકમાં 34, ફિરોઝાબાદમાં 15, અલીગઢમાં 6 અને જલૌનમાં બે લોકોની ધરપકડ થઈ છે. પ્રયાગરાજમાં સ્થાનિકલ સત્તાવાળાએ ભારે પોલીસ બંદોબસ્ત સાથે શુક્રવારની હિંસાના માસ્ટરમાઇન્ડના ઘર પર રવિવારે બુલડોઝર ફેરવી દીધું હતું. એક દિવસ પહેલા સહારનપુરમાં બે આરોપીની પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.