આર્થિક અને રાજકીય સંકટ સામે ઝઝુમી રહેલા શ્રીલંકામાં આ વર્ષે એશિયા કપ 2022નું આયોજન નહીં થાય. શ્રીલંકા ક્રિકેટે આ અંગે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ને જણાવ્યું હતું કે, દેશની વર્તમાન રાજકીય અને આર્થિક પરિસ્થિતિને કારણે તે એશિયન કપ ટી20 ટુર્નામેન્ટનું આયોજન કરવાની સ્થિતિમાં નથી. વર્તમાન કટોકટીની સ્થિતિને લીધે શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)એ તાજેતરમાં ત્રીજી લંકા પ્રીમિયર લીગ (એલપીએલ)ને પણ સ્થગિત રાખી હતી. એસીસીના સૂત્રના મતે, શ્રીલંકા ક્રિકેટે માહિતી આપી છે કે, શ્રીલંકામાં અત્યારના સંકટના કારણે ખાસ તો જ્યારે વિદેશી વિનિમયનો પ્રશ્ન હોય ત્યારે છ ટીમો માટે આવી મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવું આદર્શ નહીં ગણાય. અધિકારીના મતે શ્રીલંકા ક્રિકેટના સત્તાધીશોએ જણાવ્યું કે, તેઓ યુએઈ અથવા અન્ય દેશમાં ટુર્નામેન્ટની યજમાની કરવા ઈચ્છે છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ પૂર્વે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં એશિયા કપ ટી20નું આયોજન થવાનું છે. એસીસી આગામી સમયમાં નવા સ્થળની જાહેરાત કરી શકે છે.