એક્સક્લુસીવ

–           બાર્ની ચૌધરી

‘’દેશ તેના પ્રથમ સાઉથ એશિયન વડા પ્રધાન માટે તૈયાર છે અને અમે માનીએ છીએ કે “નાસ્ટી અને રેસીસ્ટ” પક્ષ તરીકે ગણવામાં આવતા ટોરીના દિવસો પૂરા થઈ ગયા છે’’ એમ વરિષ્ઠ કન્ઝર્વેટિવ સંસદસભ્યોએ ગરવી ગુજરાતને જણાવ્યું છે.

વડા પ્રધાન બોરિસ જૉન્સનના રાજીનામા પછી સંભવિત નેતા તરીકે પોતાને આગળ રાખનારા ઓછામાં ઓછા છથી સાત ઉમેદવારો શ્વેત નથી.

અમારી સાથે વાત કરનાર સૌનો સુર હતો કે હવે વંશીય ઉમેદવારોને શ્વેત સાંસદો દ્વારા સમર્થન આપવામાં આવે છે, અને ચામડીનો રંગ હવે મહત્વપૂર્ણ રહ્યો નથી.

લોર્ડ રેમી રેન્જરે કહ્યું હતું કે “અમે સાઉથ એશિયન વડા પ્રધાન માટે 100 ટકા તૈયાર છીએ. કેબિનેટમાં રહેલા નેતાઓએ તેમની ક્ષમતાઓ અને કુશળતા દર્શાવી છે. તેમના માટે કોઈ મોટી સમસ્યા નથી. જનતા જાણે છે કે તેઓ કેટલા સક્ષમ છે અને તેમણે પોતાને વધુ પૂરવાર કરવાના છે. તેઓ મળેલી તક માટે હંમેશા સભાન છે અને તકેદારી રાખે છે કે તેઓ જાહેર જનતાની અપેક્ષામાં ખરા ઉતરે.”

ઋષિ સુનકને હાલમાં વડા પ્રધાન અને દક્ષિણ એશિયાના પ્રથમ વડા પ્રધાન બનવા માટે પ્રિય માનવામાં આવે છે. પરંતુ ટીકાકારો તેમની પત્નીના નોન-ડોમ ટેક્સ સ્ટેટસ અને ચાન્સેલર હોવા છતા અમેરિકન ગ્રીન કાર્ડ ન છોડ્યું તે બદલ ટીકા કરે છે. કેટલાક લોકો તેમની સંપત્તિ અને ચપળ અમેરિકન પ્રેસિડેન્શિયલ-શૈલીની વિડિઓ જાહેરાત સામે પણ વાંધો ઉઠાવે છે.

એક સંસદસભ્યએ કહ્યું હતું કે “ઋષિ ખૂબ જ જાણીતા હતા, લોકો ખૂબ પસંદ પણ કરતા હતા, પરંતુ બજેટમાં ટેક્સના વધારા બાદ તેઓ લોકપ્રિય રહ્યા નથી.’’

કેટલાક સાંસદો પ્રશ્ન કરે છે કે શા માટે ઘણા બધા ઉમેદવારો પદની સ્પર્ધામાં ઉતર્યા છે?

એક ટોરી સભ્યએ જણાવ્યું હતું કે તે “આ વલણ પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. કેટલાક લોકો આનો ઉપયોગ નવી કેબિનેટમાં સ્થાન મેળવવા કરે છે. આ વલણ સ્વાર્થી અને અક્ષમ્ય છે.’’

બેરોનેસ સેન્ડી વર્માએ જણાવ્યું હતું કે, “મને ખૂબ જ આનંદ છે કે ઘણા બધા ઉમેદવારો આગળ આવી રહ્યા છે. તેની વિવિધતા જુઓ. તેઓ જાણે છે કે પાર્ટી બદલાઈ ગઈ છે. તેમના માટે તેમનું નામ પૂરતું છે. આ પ્રકારની લાગણી અનુભવવા માટે સક્ષમ બનવું તે મહાન છે. પક્ષના સભ્યોને એક કરી શકે તેવી વ્યક્તિને ચૂંટવાની જરૂર છે જે ટોરીઝ ગૂંચવાયેલા છે એવી કલંકિત પ્રતિષ્ઠાને દૂર કરી શકે.‘’

લોર્ડ ડોલર પોપટે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે, “અમને નવીન રીતે ટેક્સ ઘટાડવા માટે કલ્પનાશીલ વ્યક્તિની જરૂર છે. આવકવેરા અથવા કોર્પોરેશન ટેક્સને બદલે, મોટા કોર્પોરેટ પર ટર્નઓવર ટેક્સ રાખવાથી, ટેક્સની નવી રીતો દ્વારા વધુ આવક એકત્ર કરી શકાય છે. વધુ નાણાં ઉછીના લેવાની જરૂર નથી. અમને રોગચાળા દરમિયાન ઋષિ સુનક જેવા વિચારોની જરૂર છે, જેનો અર્થ એ છે કે ટેક્સ ઘટાડવો અને જેમને જરૂર છે તેમને વધુ પૈસા આપવા. આપણે સંખ્યાબંધ નિયમનકારી પ્રણાલીઓમાં સુધારો કરવાની જરૂર છે જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરી શકીએ. આપણે વેલ્થ, નોકરીઓ અને આવક ઉભી કરવી પડશે. આપણે મજબૂત બનવાની જરૂર છે. અમને એવા ચાન્સેલરની જરૂર છે જે આ બધું સુધારી શકે.”

એક વરિષ્ઠ સાંસદે જણાવ્યું હતું કે “રોગચાળા દરમિયાન £400 બિલિયન ખર્ચ્યા પછી, આપણે હવે એકાઉન્ટ્સ કોઈક રીતે સંતુલિત કરવા પડશે. ફર્લો, બિઝનેસ રેટ્સ રાહત અને અન્ય મમદદરૂપ પગલાંને કારણે બિઝનેસીસને ખૂબ મોટી હદ સુધી ફાયદો થયો છે. સમગ્ર યુરોપ કરતા ટેક્સના દરો યુકેમાં વધુ છે.’’

સાઉથ એશિયનો અને અન્ય અશ્વેત લોકોને અસર કરતો અન્ય મુદ્દો એ છે કે એસાયલમ શોધનારાઓને રવાંડા મોકલવાનો સરકારનો નિર્ણય, જેમના કેસોની સુનાવણી ચાલી રહી છે.

લોર્ડ પોપટ જેવા સાથીઓએ સરકારના નિર્ણયનો બચાવ કર્યો છે. તેઓ કહે છે કે “મારા સહિત તમામ ઇમિગ્રન્ટ્સ, અહીં કાયદેસર રીતે આવ્યા હતા, અમારી પાસે બ્રિટિશ પાસપોર્ટ હતા. પરંતુ હવે ઇમિગ્રન્ટ્સ અહીં આવવા ગુનાહિત ગેંગનો ઉપયોગ કરે છે. તેઓ સાચા એસાયલમ સીકર્સ ન હોઈ શકે. બ્રિટનમાં હોંગકોંગ, યુગાન્ડાના એશિયનો, અફઘાનિસ્તાનના લોકો અને યુક્રેનિયનોનું સ્વાગત છે.’’

લોર્ડ રેન્જર કહે છે કે “જો આવા લોકોને ખબર હોય કે તેમને યુકેથી દૂર આફ્રિકા મોકલવામાં આવશે તો તેઓ નાણાં ખર્ચીને અહિં નહિં આવે. સરકારની નીતિ લોકોને શોષણથી બચાવવા માટે છે. તમે ક્યાંથી આવો છો તેનાથી કોઈ ફરક પડતો નથી, તમે શું કરવા માંગો છો તે મહત્વનું છે.”

આ લખાય છે ત્યારે ઉમેદવારી કરવા માંગતા 12માંથી સાત [જો પ્રીતિ રન કરે તો] શ્વેત નથી, જેમાંના પાંચ સાઉથ એશિયન છે. ઋષિ સુનક, સાજિદ જાવિદ અને પ્રીતિ પટેલ રાઉન્ડમાં આગળ વધે તેવી શક્યતા છે.

ઋષિ સુનક

પોલીશ્ડ પર્ફોર્મર સુનકનું ખાનગી શિક્ષણ, ઓક્સફર્ડનો આભ્યાસ અને શ્રીમંત સ્થિતિ તેમને ટોરી સાંસદો અને સભ્યોમાં “આપણામાંના એક” બનાવે છે. તેમને દેશના વડા પ્રધાન બનતા રોકવા એક બદનામ ઝુંબેશ શરૂ થઈ છે. ટોચના પદની કોઇ શક્યતા ન હતી ત્યારે ડિસેમ્બર 2021માં તેમણે ‘રેડી ફોર રિશી’ વેબસાઇટ ડોમેન રજીસ્ટર કરાવ્યું હતું. ટેલિગ્રાફે વોટ્સએપ ગ્રૂપમાં ફરતો મેમો પ્રકાશિત કર્યો છે જેમાં ચાન્સેલર તરીકેની કહેવાતી ભૂલોની યાદી છે.

સાજીદ જાવિદ

ચાન્સેલર બનનાર પ્રથમ સાઉથ એશિયન સાજિદ જાવિદે 2019ની પોતાની પ્રથમ કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સમાં તેની માતાનું પંજાબીમાં સ્વાગત કર્યું હતું. તે એક સિદ્ધાંતનો માણસ છે જેણે બે વાર જૉન્સનની કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. સુનકની જેમ જ જાવિદને તેઓ બેન્કર હતા ત્યારના તેમના નોન-ડોમ ટેક્સ સ્ટેટસ વિશે પૂછપરછ કરાશે. તેમની પાસે હોમ સેક્રેટરી અને ચાન્સેલર સાથે સૌથી વધુ 6 સરકારી વિભાગો ચલાવવાનો અનુભવ છે.

પ્રીતિ પટેલ

ભારતીય ઇમિગ્રન્ટ્સની સંતાન પ્રીતિ પટેલનું પદ તેને પક્ષમાં પ્રિય બનાવે છે અને તેમને નવા માર્ગારેટ થેચર તરીકે જોવાય છે. પરંતુ શબ્દો, વલણ અને કાર્યોથી તેઓ મુશ્કેલીમાં મુકાય છે. તેમને મિનિસ્ટીરીયલ કોડના ભંગ બદલ દોષીત ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે રાજીનામું આપ્યું ન હતું અને વડા પ્રધાન જૉન્સને તેણીને બરતરફ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમની સામે બુલિઇંગનો આક્ષેપ પણ હતો. પરંતુ તેમ છતાં, તે પાર્ટીના ફેવરિટ છે અને સારું પ્રદર્શન કરી શકે છે.