અમદાવાદનું નવું બંધાયેલુ વિશ્વ સ્તરનું સ્ટેડિયમ ભારતીય બોલર અશ્વિન માટે ફળદાયી નીવડ્યું છે. ઈંગ્લેન્ડની સામે ત્રીજી ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ પુરી કરી નવો રેકોર્ડ કર્યો છે. (ફાઇલ ફોટો) (Photo by Scott Barbour/Getty Images)

અમદાવાદનું નવું બંધાયેલુ વિશ્વ સ્તરનું સ્ટેડિયમ ભારતીય બોલર અશ્વિન માટે ફળદાયી નીવડ્યું છે. ઈંગ્લેન્ડની સામે ત્રીજી ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ પુરી કરી નવો રેકોર્ડ કર્યો છે.

બીજી ઇનિંગમાં અશ્વિને જોફ્રા આર્ચરને તંબુ ભેગો કરી રેકોર્ડ નોંધાવ્યો હતો. એ અગાઉ, અનિલ કુંબલે, કપિલ દેવ અને હરભજન સિંહ ભારત વતી 400 વિકેટ લઈ ચૂક્યા હતા. જો કે, અશ્વિન સૌથી ઓછી ટેસ્ટમાં આ રેકોર્ડનો યશ પણ લઈ ગયો છે. તેણે ફક્ત 77 ટેસ્ટમાં આ સફળતા હાંસલ કરી છે. શ્રીલંકાના મુથૈયા મુરલીધરને 72 ટેસ્ટમાં 400 વિકેટ લીધી હતી, તેના પછી અશ્વિનનો આ શ્રેષ્ઠ દેખાવ છે. અશ્વિને જો કે, બેટિંગમાં પણ કૌવત દાખવી ટેસ્ટ ક્રિકેટમાં પાંચ સદી નોંધાવી છે. 400થી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર્સમાં અનિલ કુંબલેએ 132 મેચમાં 619 વિકેટ, કપિલ દેવે 131 મેચમાં 434 વિકેટ, હરભજન સિંઘે 103 મેચમાં 417 વિકેટ લીધી છે.

ઈશાંત શર્માની 100 ટેસ્ટ મેચઃ ભારતના જ ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ પણ અમદાવાદમાં ગયા સપ્તાહે ત્રીજી ટેસ્ટ મેચ રમી પોતાની કેરિયરની 100 ટેસ્ટ મેચ પુરી કરી હતી. આ સિદ્ધિ હાંસલ કરનારો તે કપિલ દેવ પછી ભારતનો ફક્ત બીજો જ ફાસ્ટ બોલર છે.

સચિન તેંડુલકર તથા આશિષ નહેરાએ તેને અભિનંદન આપ્યા હતા. તો મેચ શરૂ થતા પહેલા સુકાની વિરાટ કોહલીએ પણ કહ્યું હતું કે ભારતમાં ફાસ્ટ બોલર માટે 100 ટેસ્ટ મેચ પુરી કરવી એક મોટી સિદ્ધિ છે, ઈશાંત અને પોતે જુના સાથીઓ છે ત્યારે ઈશાંતની આ સફળતા માટે પોતે ગૌરવ અનુભવે છે.