ભારતીય ટીમના અનુભવી સ્પિનર આર અશ્વિને ચેન્નઈ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ઝમકદાર દેખાવ કર્યો હતો. પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી પછી અશ્વિને ભારતની બીજી ઈનિંગમાં બેટીંગની કમાલ દાખવી સદી કરી હતી. આ ઓલરાઉન્ડર ચેન્નાઈ ટેસ્ટની બીજી ઈનિંગમાં સૌથી વધુ રન કરનારો ભારતીય બેટ્સમેન બન્યો હતો. તેણે 134 બોલમાં 14 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 106 રન કર્યા હતા.

કોઈ એક ટેસ્ટ મેચમાં 5 વિકેટ લેવાની સાથે સદી કરવાની કમાલ મુઠ્ઠીભર ખેલાડીઓ જ કરી શક્યા છે. ગેરી સોબર્સ, મુશ્તાક અહમદ, જેક કાલિસ અને શાકિબ અલ હસન જેવા ખેલાડીઓ કરતાં અશ્વિન આગળ વધી ગયો છે. આ બધાએ એક ઈનિંગમાં પાંચ વિકેટ લઈને બે વખત સદી કરી હતી, તેની તુલનાએ અશ્વિને આ કમાલ ત્રીજીવાર કરી છે. ઈંગ્લેન્ડનો ઇયાન બોથમ સૌથી વધુ – પાંચ વખત આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યો છે.