Rishi Sunak may benefit from undecided voters: Survey
REUTERS/Toby Melville

બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ચેતવણી આપી છે કે હવે તેમને કરદાતાઓના પૈસે હોટલમાં રાખવાના બદલે બાર્જ(જહાજો) પર રાખવામાં આવશે. સરકારે આ માટે વધુ બે એકોમોડેશન બાર્જનો ઓર્ડર આપ્યો છે. બીજી તરફ “સેંકડો” ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશમાં સમાવવા માટે ભૂતપૂર્વ રોયલ એર ફોર્સ બેઝ પર નવી સાઇટ્સ ખોલવાની જાહેરાત કરી હતી.

તા. 5ને સોમવારે સુનકે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે ‘’યુકે સરકાર એસાયલમ સીકર્સને જે આપવું જોઈએ તેના કરતાં વધુ આપી રહી છે, તેથી તેમણે હોટલોમાં શેરિંગ રૂમમાં રખાય તેનો વિરોધ કરવો ન જોઈએ. ગયા વર્ષની સરખામણીમાં હવે ચેનલ ક્રોસિંગમાં 20 ટકાનો ઘટાડો થયો છે. સરકાર સ્થાનિક સમુદાયો અને મોંઘી હોટેલો પરનું દબાણ ઓછું કરવા ત્રણ હજાર માઇગ્રન્ટ્સને વર્ષના અંત સુધીમાં એરબેઝ પર રાખશે. પ્રથમ બાર્જ આવતા અઠવાડિયે પોર્ટલેન્ડમાં આવશે અને ઓર્ડર કરેલા બીજા બે બાર્જ 1,000 લોકોને સમાવી લેશે.”

યુરોપિયન યુનિયન છોડ્યા બાદ વધેલા નેટ ઇમિગ્રેશનના આંકડાએ દેશની સરહદો પરનું નિયંત્રણ પાછું મેળવવા દબાણ કરતાં સરકાર માટે આગામી ચૂંટણી જીતવા ઇમિગ્રેશન એક જીવંત રાજકીય મુદ્દો બન્યો છે. જેને કારણે સુનકે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ફેમિલી વિઝા પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી.

સુનકે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ‘’ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રોકવા માટે તેમની યોજના ‘સ્ટોપ ધ બોટ’ કામ કરી રહી છે. મેં તમને વચન આપ્યું હતું કે અમે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને હોટલમાંથી બહાર કાઢીને લશ્કરી ફેસેલીટીઝ સહિત વૈકલ્પિક સ્થળોએ લઈ જઈશું. હાઉસ ઓફ કોમન્સે ઇલીગલ માઇગ્રેશન બિલ અથવા ‘સ્ટોપ ધ બોટ્સ’ બિલને મંજૂરી આપી દીધી છે. આ કાયદો સરકારને ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશેલા પ્રવાસીઓને અટકાયતમાં લેવા અને દેશનિકાલ કરવાનો અધિકાર આપશે. બ્રિટન વેથર્સફિલ્ડ અને સ્કેમ્પટનમાં ગેરકાયદેસર માઇગ્રેશન કરનારાઓને રાખવા માટે મોટી સાઇટ્સ બનાવી રહ્યું છે, જ્યાં આવતા મહિનાથી આવા લોકોને રાખવામાં આવશે. આ વર્ષના અંત સુધીમાં આ સાઇટની ક્ષમતા વધીને 3,000 થવાની ધારણા છે. ત્યાં સુધીમાં આવા લોકોએ રૂમ શેર કરવો પડશે. અમને વધારાની 11,500 જગ્યાઓ મળી છે અને તેનાથી વાર્ષિક £250 મિલિયનની બચત થશે. જો તેઓ મૃત્યુ, ત્રાસ, સતામણીથી બચવા માટે અહીં ગેરકાયદેસર રીતે એસાયલમ ક્લેઇમ કરતા હોય તો તેમણે લંડનની હોટલમાં રૂમ શેર કરવા માટે તૈયાર રહેવું જોઈએ.’’

સુનાકે દાવો કર્યો હતો કે ‘’એસાયલમ માંગનારાઓની સંખ્યા ફ્રાન્સ અને જર્મની કરતા યુકેમાં હજુ પણ ઘણી ઓછી છે. પાછલા વર્ષની સરખામણીમાં ક્રોસિંગમાં 20 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે બાકીના યુરોપમાં પ્રવેશતા લોકોની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો છે.”

સરકારી આંકડાઓ અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં નાની બોટમાં આવતા કુલ 7,610 લોકો ઝડપાયા છે. કુલ 82,000 અરજીઓમાંથી માત્ર 33,000થી વધુ લોકો ડિસેમ્બર 2021ના અંત સુધીમાં એસાયલમ અંગેના પ્રારંભિક નિર્ણય માટે છ મહિનાથી વધુ સમયની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તે બેકલોગ હવે 17,000થી વધારે ઘટાડી દેવાયો છે.

યુકે હવે EU ની માઇગ્રેશન પોલીસીનો ભાગ ન હોવાથી સરકાર મેઇનલેન્ડ યુરોપના અલગ અલગ દેશો સાથે કાર્યક્રમો બનાવી રહી છે. જેમાં સૌ પ્રથમ નાની બોટ ક્રોસિંગને રોકવા માટે ફ્રાન્સ સાથે નવી ભાગીદારી પર પણ હસ્તાક્ષર કરાયા છે. જ્યારે એસાયલમ સીકર્સને રવાંડામાં દેશનિકાલ કરવાનું વિવાદાસ્પદ ડીલ કોર્ટોમાં અટવાયેલું છે.

LEAVE A REPLY